અમિત શાહે કહ્યું, ઘૂસણખોરોને દેશમાંથી બહાર મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળનું NDAના ગઠબંધનની 21 રાજ્યોની સરકારો 2029 પહેલાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરશે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન શાહે કેન્દ્ર સરકારની છેલ્લાં 12 વર્ષની ઉપલબ્ધિઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની 25 વર્ષની સફરનો ઉલ્લેખ કર્યો હતો.

મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા

તેમણે કહ્યું હતું કે ત્રણ તલાકની પ્રથા ખતમ કરીને મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. અમે અનેક રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરી છે. મને વિશ્વાસ છે કે ભાજપ-NDA શાસિત 21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરી દેવામાં આવશે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે શાહે કહ્યું કે આર્ટિકલ 370 અને 35Aને એક પણ ટીપું લોહી વહાવ્યા વિના કે એક પણ ગોળી ચલાવ્યા વિના નાબૂદ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ દાવો કર્યો કે કાશ્મીર હવે સંપૂર્ણપણે ભારત સાથે ઊભું છે. તેમણે કહ્યું હતું કે સરકારે પાંચ દાયકાથી ચાલી રહેલા નક્સલવાદનો અંત લાવ્યો છે અને દેશના પૂર્વોત્તર વિસ્તારમાં 14થી વધુ શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

9000થી વધુ લોકોએ આત્મસમર્પણ કર્યું

તેમણે કહ્યું હતું કે 9000થી વધુ લોકોએ આત્મસમર્પણ કર્યું છે. આજે અમે પૂર્વોત્તર વિસ્તારને વિકાસના માર્ગે લાવ્યા છીએ. તેમણે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક, હવાઈ હુમલા અને ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ સ્થાપિત કરી છે. ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને મુંબઈ જેવાં શહેરોમાં તેમની ઓળખ કરવામાં આવી રહી હોવા અંગે પૂછવામાં આવતાં શાહે કહ્યું હતું કે સરકાર તેમને ઓળખવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે તેનો ખુલાસો કરવામાં આવશે નહીં.

ગેરકાયદે ઘૂસણખોરો સામે કાર્યવાહી

શાહે દેશમાં રહેલા ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને બહાર કાઢવાના સરકારના સંકલ્પને ફરીથી દોહરાવ્યો હતો તેમણે કહ્યું હતું કે હું મારા સંકલ્પને ફરીથી દોહરાવું છું કે અમે આ દેશના એક-એક ગેરકાયદે ઘૂસણખોરની ઓળખ કરીશું અને એક-એક કરીને તેમને દેશની બહાર મોકલીશું.