SIR વિવાદ વચ્ચે INDIA ગઠબંધને કરી ‘લોકશાહી બચાવો માર્ચ’ની જાહેરાત

નવી દિલ્હી: મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી પંચની કામગીરી અંગે વધતી ચિંતાઓ વચ્ચે વિપક્ષી એકતાનું પ્રદર્શન કરતા INDIA ગઠબંધને બુધવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે વિપક્ષી નેતાઓની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી જિલ્લા સ્તરે ‘લોકશાહી બચાવો માર્ચ’ (Save Democracy March) યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિરોધ માર્ચમાં INDIA ગઠબંધનના તમામ પક્ષો, સિવિલ સોસાયટીના જૂથો અને સમાન વિચારસરણી ધરાવતા લોકો જોડાશે. આ પ્રદર્શન તમામ જિલ્લા કલેક્ટર (જિલ્લા મેજિસ્ટ્રેટ) કચેરીઓ બહાર કરવામાં આવશે.

બેઠક બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે, “ચૂંટણી પંચના બે-ત્રણ અધિકારીઓ માત્ર પ્યાદા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમને કઠપૂતળીની જેમ નચાવી રહ્યા છે.”

આ ઉપરાંત, ગઠબંધનના તમામ સાંસદો 6 ઓક્ટોબરે ચૂંટણી પંચની મુખ્ય કચેરી તરફ માર્ચ કરશે. વિપક્ષી દળોએ ચૂંટણી પંચની તટસ્થતા પર સવાલો ઉઠાવતા આ મુદ્દા પર સંપૂર્ણ એકતા સાથે કાનૂની અને રાજકીય લડાઈ લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.