પાલકના પાત્રા

પાલકનું શાક ખાવાનું કોઈને નથી ભાવતું. ત્યારે પાલકના પાત્રા સ્વાસ્થ્યવર્ધક ખરાં અને જલ્દી પણ બની જાય છે!

સામગ્રીઃ ચણાનો લોટ 1 કપ, ચોખાનો લોટ ½ કપ, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ 2 ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, પાલકના ધોયેલા પાન 10-15, સફેદ તલ 2 ટી.સ્પૂન, અજમો ½ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, કાળું મીઠું ¼ ટી.સ્પૂન, ઘી 1 ટે.સ્પૂન, 1 લીંબુનો રસ, ઈનો પાઉડર 1 ટી.સ્પૂન,

રીતઃ પાલકના પાનને 2-3 પાણીએથી ધોઈને એક કપડા ઉપર પાણી નિતારવા મૂકી દો.

એક વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, સફેદ તલ, અજમો, હીંગ, આદુ-મરચાંની પેસ્ટ, કાળું મીઠું, સ્વાદ મુજબ મીઠું મેળવી દો.  હવે તેમાં લીંબુનો રસ પણ મેળવી દો. થોડું થોડું પાણી ઉમેરતા જઈ ઘટ્ટ ખીરું બનાવી લો.

મુઠીયા બાફવાના વાસણમાં પાણી ઉકળવા માટે મૂકો. તેમાં એક સ્ટીલનો કાંઠો પણ મૂકીને પાંચેક મિનિટ માટે ગેસની તેજ આંચે પાણી ઉકળવા દો.

મુઠીયા બાફવાના વાસણમાં કાંઠાની ઉપર સ્ટીલની એક ચાળણી તેલવાળી કરીને મૂકી દો.

એક થાળીમાં પાલકનું એક પાન લઈ તેની ઉપર પાતરા માટેનું ચણાના લોટવાળું મિશ્રણ લગાડી લો. ત્યારબાદ તે પાનની કિનારી પાસે થોડું બાજુએ બીજું પાન ગોઠવીને તેની ઉપર ખીરું લગાડી લો. પહેલાં પાનની બીજી બાજુએ પણ કિનારી ઉપર પાન ગોઠવીને તેની ઉપર ખીરું લગાડીને વચ્ચેના ભાગ ઉપર ફરી બીજું એક પાલકનું પાન ગોઠવીને તેની ઉપર ખીરું લગાડી લો. હવે આ બધા પાનના ભેગા થયેલા છેડાથી ગોળો વાળતા જઈને ઘટ્ટ વીટો વાળી દો અને સ્ટીલની ચાળણી ઉપર ગોઠવી દો. આ જ રીતે બાકીના પાતરા વાળીને સ્ટીલની ચાળણી ઉપર ગોઠવીને તેનું ઢાંકણ ઢાંકીને ગેસની તેજ આંચે 15 મિનિટ માટે પાતરા બફાવા દો.

પંદર મિનિટ બાદ ચપ્પૂ વડે તપાસી જુઓ. જો ચપ્પૂ પાતરામાંથી ચોખ્ખું બહાર આવે તો પાતરા બફાઈ ગયા સમજવા.

ગેસ બંધ કરીને પાતરાને એક થાળીમાં ઠંડા કરવા માટે મૂકો. તે ઠંડા થાય એટલે ચપ્પૂ વડે કટ કરી લો.

એક પેનમાં તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તલ ઉમેરીને કટ કરેલા પાતરા તેમાં ઉમેરી દો. તવેથા વડે હળવા હાથે ફેરવીને બધા પાતરામાં વઘાર સરખો ફેરવી દો.

તૈયાર પાલકના પાત્રા લીલી ચટણી સાથે પીરસો.