ગણપત વિદ્યાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે યુનિવર્સિટી ખાતે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજથી ‘સેવા પખવાડા ૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યુનિવર્સિટી પરિવાર દ્વારા જનસેવા, વૃક્ષારોપણ અને સાહિત્યિક સંવાદ સહિતના છ વિશેષ આયોજનો દ્વારા વડાપ્રધાનની દીર્ઘકાલીન સેવાયાત્રાને બિરદાવવામાં આવી હતી.
‘આમ્રકુંજ’માં કેસર આંબાનું રોપણ
મુખ્ય વક્તા અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના વરદહસ્તે યુનિવર્સિટીના માઇક્રો ફોરેસ્ટ પાસે વિકસાવવામાં આવી રહેલી ‘આમ્રકુંજ’ ખાતે કેસર આંબાના છોડનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા, ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. આર.કે. પટેલ અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ગિરીશ પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું. આ આયોજનનું સંચાલન પ્રો. ડૉ. મૌરવી વસાવડા અને તેમની ટીમે કર્યું હતું.
નમો યુવા સંવાદ અને પુસ્તક વિમોચન
“નમો યુવા સંવાદ: મોદી એક વિરાટ વ્યક્તિત્વ” વિષય પર આયોજિત વિશેષ વ્યાખ્યાનમાં સ્વાગત પ્રવચન આપતાં પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા અને સમર્પણને બિરદાવ્યા હતા. અમેરિકાથી ઓનલાઇન જોડાયેલા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા)એ પીએમ મોદી સાથેની પ્રથમ મુલાકાતના સંસ્મરણો વાગોળી અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાગ્યેશ જ્હા લિખિત “નરેન્દ્ર મોદી : એક સર્જક” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભાગ્યેશ જ્હાએ વડાપ્રધાનના વ્યક્તિત્વના ૨૫ વિશિષ્ટ ગુણોને આઠ વિભાગોમાં રજૂ કર્યા હતા. તેમણે પીએમ મોદીની અસાધારણ યાદશક્તિ, રણનીતિક વિઝન, ટાઇમ મેનેજમેન્ટ, સંકટ પ્રબંધન અને “મન કી બાત” જેવા વિચારોનો ઉલ્લેખ કરી તેમના નેતૃત્વને વૈશ્વિક કક્ષાએ સ્વીકૃત ગણાવ્યું હતું. આ સત્રનું સંચાલન પ્રો. ડૉ. આનંદ મંકોડિયાએ કર્યું હતું.
આરોગ્ય શિબિર અને ‘દીપ સંકલ્પ’
યુનિવર્સિટીની હોમિયોપેથિક હોસ્પિટલ અને કોલેજ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૭૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જ્યારે ૮૫૦થી વધુ નાગરિકોએ ફ્રી કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક કેમ્પનો લાભ લીધો હતો. આરોગ્ય વિષયક આયોજનનું સંચાલન આસિ. રજિસ્ટ્રાર અમિત પટેલે કર્યું હતું. દિવસભરના વિવિધ આયોજનો બાદ સાંજે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ૫,૦૦૦ દીવડાઓ પ્રગટાવીને “દીપ સંકલ્પ” કાર્યક્રમ સાથે ઉજવણીનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.




