પંજાબ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી નામ કપાતા રાઘવ ચઢ્ઢા-AAP સરકાર આમને-સામને

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)એ તેના ભૂતપૂર્વ નેતા રાઘવ ચઢ્ઢા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભા સાંસદ પર દિલ્હીની મતદાર યાદીમાં પાછલી તારીખ (બેકડેટેડ પ્રક્રિયા)થી નામ ઉમેરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ રાજકીય વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે પંજાબમાં ચાલી રહેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન તેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

પંજાબની ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાં રાઘવ ચઢ્ઢાને “કાયમી ધોરણે સ્થળાંતરિત” (Permanently Shifted) તરીકે દર્શાવવામાં આવ્યા છે. પંજાબના કુલ ૨૦.૬૬ લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેમાં રાઘવ ચઢ્ઢાનું નામ પણ શામેલ છે.

AAP અને રાઘવ ચઢ્ઢા વચ્ચે આરોપ-પ્રત્યારોપ:

રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો હતો કે પંજાબની AAP સરકાર તેમની સામે રાજકીય બદલાની ભાવનાથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, “હું પંજાબથી રાજ્યસભાનો વર્તમાન સાંસદ છું અને મારું વોટર આઈડી મોહાલીમાં નોંધાયેલું છે. આમ છતાં મને ‘શિફ્ટેડ’ દર્શાવવામાં આવે તે માત્ર ક્લેરિકલ ભૂલ નથી, પરંતુ રાજકીય બદલો છે.”

બીજી તરફ, AAPએ આરોપોને ફગાવી દેતા સ્પષ્ટતા કરી કે SIR પ્રક્રિયા ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાથ ધરવામાં આવે છે. જેમાં પંજાબ સરકારની કોઈ ભૂમિકા નથી. AAPના સૂત્રોએ દાવો કર્યો હતો કે રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજેન્દ્ર નગરમાં બેકડેટેડ પ્રક્રિયા દ્વારા પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આવી કોઈ ગેરકાયદેસર પ્રક્રિયા થઈ હોય તો તેની યોગ્ય તપાસ થવી જોઈએ.

રાજ્યસભા સભ્યપદ પર સંકટનો દાવો

AAPના દિલ્હી એકમના પ્રમુખ સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે જો રાઘવ ચઢ્ઢાનું નામ મતદાર યાદીમાંથી કાયમી ધોરણે દૂર થાય, તો તેમની રાજ્યસભાની સદસ્યતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ શકે છે. ‘લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧’ની કલમ ૩ મુજબ, રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર ભારતના કોઈપણ સંસદીય મતવિસ્તારમાં નોંધાયેલ મતદાર હોવો જરૂરી છે.

રાઘવ ચઢ્ઢા ૨૦૨૨માં AAP તરફથી પંજાબથી રાજ્યસભા સાંસદ બન્યા હતા અને બાદમાં તેમણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મોહાલીથી મતદાન કર્યું હતું. પંજાબની આખરી મતદાર યાદી ૧૨ ઓક્ટોબરે પ્રકાશિત થવાની છે.