લંડન: જાતીય સતામણીના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરાયેલા ભારતીય ક્રિમિનલ વકીલ વિજય અગ્રવાલને કોર્ટે મોટો આંચકો આપ્યો છે. લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદાર દેશ છોડીને ભાગી જવાનું જોખમ (Flight Risk) ધરાવે છે અને જો જામીન આપવામાં આવે તો માર્ચ 2027માં યોજાનારી સુનાવણી વખતે ગેરહાજર રહી શકે છે.
૫૭ વર્ષીય વિજય અગ્રવાલ (જેમણે મેહુલ ચોક્સી જેવા હાઈ-પ્રોફાઈલ કેસોમાં પણ વકીલાત કરી છે) સામે લંડનના મેફેર વિસ્તારમાં આવેલી એક પ્રોપર્ટીમાં ૨૬ મે અને ૯ ઓગસ્ટના રોજ જાતીય ગુનાઓ આચર્યાના આરોપો હેઠળ કેસ નોંધાયેલો છે. આ જ કેસમાં તેમની સહાયક મનપ્રીત કૌર સામે પણ જાતીય સતામણીમાં મદદ કરવા બદલ બે ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) દ્વારા આ આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીનનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. બેંક અને જેલ વહીવટી તંત્રની ક્ષતિના કારણે સહ-આરોપી કૌર વીડિયો લિંક દ્વારા હાજર રહી શક્યા ન હતા. જેથી ઔપચારિક ચાર્જ ફ્રેમિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. હાલમાં અગ્રવાલ દક્ષિણ-પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે.




