ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વેપારી જહાજો માટે અત્યંત ખતરનાક સમુદ્રી માર્ગ બની ચૂક્યો છે. આ વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભારત તરફ આગળ વધી રહેલા એક કોમર્શિયલ મર્ચન્ટ શિપ ‘MV Cape Dao’ પર બે ભયાનક ટોર્પીડો હુમલા કરવામાં આવ્યા છે. આ ઘાતકી હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી ભારતીય નાવિક સૂરજ યાદવનું કમનસીબ મોત નીપજ્યું છે. સૂરજ યાદવ આ જહાજ પર ‘વાઇપર’ ના હોદ્દા પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 20 ભારતીય નાવિકોનો સમાવેશ થાય છે.

ટોર્પીડો અથડાતાં જ જહાજ ધૂ-ધૂ કરીને સળગી ઊઠ્યું
મળતી માહિતી મુજબ, હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા આ જહાજ પર અચાનક એક પછી એક એમ બે ટોર્પીડો ઝીંકવામાં આવ્યા હતા. ટોર્પીડો અથડાતાની સાથે જ જહાજની અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો અને ચારેય તરફ આગ ફાટી નીકળી હતી. સામે આવેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે સમુદ્રની વચ્ચે ઊભેલું આ વિશાળકાય જહાજ ધૂ-ધૂ કરીને સળગી રહ્યું છે અને તેના ઉપરના ભાગમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટા આકાશમાં ઊડી રહ્યા છે. ઘટનાસ્થળ નજીક ગશ્તી બોટ પર તૈનાત શસ્ત્રધારી કર્મચારીઓ આ બળતા જહાજને લાચાર બનીને જોઈ રહ્યા હતા.
28 માંથી 20 નાવિકો ભારતીય: પરિવારજનોમાં કોહરામ
આ દુઃખદ અકસ્માતની સૌથી ચિંતાજનક બાબત એ છે કે MV Cape Dao પર હાજર 28 ક્રૂ મેમ્બર્સમાંથી 20 નાવિકો ભારતીય નાગરિક છે. હુમલા સમયે જહાજ પર સવાર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા હતા. કોઈ પણ ઉશ્કેરણી વગર નિર્દોષ વેપારી જહાજો પર થઈ રહેલા આ સમુદ્રી હુમલાઓએ રોજી-રોટી કમાવવા માસિક કરાર પર સમુદ્રની લહેરો વચ્ચે રહેતા નાવિકોના જીવનને જોખમમાં મૂકી દીધું છે. સૂરજ યાદવના મોતની ખબર મળતા જ તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
FSUI ની ચેતવણી: ‘સુરક્ષા, ન્યાય અને જવાબદેહી નક્કી થાય’
આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ નાવિકોના પ્રતિષ્ઠિત સંગઠન ‘ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઇન્ડિયા’ (FSUI) એ ઊંડા શોકની સાથે કડક વલણ અપનાવ્યું છે. FSUI એ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનો અને ભારત સરકારને આ બાબતે ત્વરિત પગલાં લેવા અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજો તેમજ નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.


