સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા આકરા પ્રહારો બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને વળતો પ્રહાર કર્યો છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વૈશ્વિક મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાનને આતંકવાદી દેશ કહેવો સંપૂર્ણપણે ખોટો છે, કારણ કે ઈરાન પોતે આતંકવાદનો ભોગ બનતું આવ્યું છે. આ સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા મેળવવી એ ઈરાનનો મૂળભૂત અધિકાર છે. નોંધનીય છે કે, જેવા પેઝેશ્કિયાને પોતાનું સંબોધન શરૂ કર્યું કે તુરંત જ અમેરિકી ડેલિગેશને એસેમ્બલી હોલમાંથી વોકઆઉટ કર્યું હતું.

“અમેરિકા અને ઈઝરાયેલે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા”
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક દિવસ અગાઉ ઈરાનને આતંકવાદનો મુખ્ય પ્રાયોજક ગણાવી તેના આર્થિક બહિષ્કારની અપીલ કરવામાં આવી હતી. આ અંગે પલટવાર કરતા પેઝેશ્કિયાને કહ્યું, “ગઈકાલે ટ્રમ્પે આપણને આતંકવાદી કહ્યા, જ્યારે હકીકત એ છે કે અમે આતંકવાદના પીડિત છીએ. અમેરિકા અને ઈઝરાયેલે અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ઈરાનના નિર્દોષ નાગરિકો પર હુમલા કર્યા છે. પરંતુ અમે ઘૂંટણ ટેકવ્યા નથી અને પૂરી તાકાતથી અમારો બચાવ કર્યો છે. ઈરાન માત્ર પોતાની આત્મરક્ષણની લડાઈ લડી રહ્યું છે.”
ગાઝા અને શાળા પર હુમલાનો ઉલ્લેખ કરી બાળકોની તસવીરો દર્શાવી
પોતાના આક્રમક સંબોધન દરમિયાન ઈરાની રાષ્ટ્રપતિએ ઈઝરાયેલ પર જુદા જુદા શહેરોમાં ટાર્ગેટેડ હત્યાઓ કરવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. ગાઝાની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો હતો કે ત્યાં 80,000 થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે.
આ ઉપરાંત, પેઝેશ્કિયાને ઈરાનમાં એક શાળા પર થયેલા હુમલાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. હોલમાં નિર્દોષ બાળકોની તસવીરો બતાવીને તેમણે કહ્યું કે, “આ બાળકોએ કોઈ ગુનો કર્યો નહોતો. અમેરિકી અને ઈઝરાયેલી હથિયારોથી થયેલા હુમલામાં આ માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના સંબોધનમાં ઈરાન સામે કડક વલણ અપનાવતા કોઈ સમજૂતી ન થવાની સ્થિતિમાં ગંભીર સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી હતી. તેના જવાબમાં પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પોતાના સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા માટે કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં.




