ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરી

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને ઊભા થયેલા ભારે વિવાદ વચ્ચે મોટો વળાંક આવ્યો છે. યુનિવર્સિટીના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) અને ‘બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ’ હેઠળ મંજૂર થયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપો બાદ, તેમણે ₹14.59 કરોડથી વધુની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા યુનિવર્સિટીમાં પરત જમા કરાવી દીધી છે.

કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નીરજા ગુપ્તા આ મહત્વના પ્રોજેક્ટ્સમાં ‘પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર’ તરીકે કાર્યરત રહ્યા હતા. ગ્રાન્ટ અંગત ખાતામાં જમા થવાનો વિવાદ વકરતાં અને નિવૃત્ત જજની કમિટી દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવતાં જ તેમણે PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું પણ સોંપી દીધું છે.

ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું કે નિયમોનુસાર નવું ખાતું ખોલાવી રકમ જમા કરી લેવામાં આવી છે અને છેલ્લા સમયગાળા દરમિયાન થયેલા ખર્ચનું ઓડિટ કરાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.