કેનેડામાં પોતાના પાયા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે ત્યાંની તપાસ અને સુરક્ષા એજન્સીઓએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એજન્સીઓએ બિશ્નોઈ ગેંગના 200 જેટલા સભ્યોને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. આ કડક ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 111 જેટલા ગુંડાઓને કેનેડામાંથી ડિપોર્ટ પણ કરી દેવાયા છે. કેનેડિયન એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે લોરેન્સ બિશ્નોઈ નેટવર્ક હવે તેમની સુરક્ષા યાદીમાં સૌથી પ્રાથમિક ટાર્ગેટ બની ચૂક્યું છે.
બર્થડે પાર્ટી, પિસ્તોલ અને હવાઈ ફાયરિંગનો ખુલાસો
આ સપાટા વચ્ચે 25 વર્ષીય ભારતીય નાગરિક જશનદીપ સિંહનો કિસ્સો સામે આવ્યો છે, જે December 2022 માં વિદ્યાર્થી તરીકે કેનેડા પહોંચ્યો હતો. કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રિફ્યુજી બોર્ડે જશનદીપને દેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવીને બહાર ફેંકી દેવાનો હુકમ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તેનો સીધો સંબંધ બિશ્નોઈ ગેંગ સાથે છે. August 2025 માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો સોશિયલ મીડિયા વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. આ પાર્ટીમાં બિશ્નોઈ ગેંગનો મિડલ મેનેજર અર્શદીપ સિંહ પણ હાજર હતો, જેને 2026 માં જ કેનેડાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં કારની ટ્રંક પર કેક મૂકીને ગાડીઓના કાફલા વચ્ચે પિસ્તોલથી હવામાં ઓછામાં ઓછા 5 ગોળીબાર થતા જોવા મળ્યા હતા.

સરેમાં ફાયરિંગ અને એક્સ્ટોર્શન સાથે કનેક્શન
જ્યારે પોલીસે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસના ખોખા રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ હથિયારનો ઉપયોગ બ્રિટિશ કોલંબિયાના સરે વિસ્તારમાં આવેલા એક કેફે પર થયેલા ગોળીબારમાં પણ થયો હતો. આ ફાયરિંગ કેનેડાના લોઅર મેઇનલેન્ડ વિસ્તારમાં ચાલી રહેલા એક્સ્ટોર્શન (રંગદારી) નેટવર્ક સાથે જોડાયેલું હતું. ઇમિગ્રેશન સુનાવણી દરમિયાન જશનદીપે ગેંગ સાથેના સંબંધો નકાર્યા હતા, પરંતુ તેના નિવેદનોમાં અનેક વિરોધાભાસ જોવા મળતા મંડળે તેની અરજી ફગાવી દીધી હતી.
ટેરર, ડ્રગ્સ અને 5000 શૂટર્સનો દાવો
બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો સામે કેનેડાની ધરતી પરથી ટેરર ફંડિંગ, રંગદારી, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને કોન્ટ્રેક્ટ કિલિંગ જેવી ગંભીર વિદેશી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ છે. September 2026 માં ગેંગ તરફથી વાયરલ થયેલા એક કથિત પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેનેડામાં તેમના 5000 થી વધુ શૂટર્સ સક્રિય છે અને તેઓ ટૂંક સમયમાં ત્યાં પોતાનો સંપૂર્ણ કબજો જમાવી લેશે. આ ધમકી અને સતત વધતી હિંસા બાદ કેનેડિયન સરકારે બિશ્નોઈ નેટવર્કના મૂળિયાં ઉખાડી ફેંકવા આક્રમક વલણ અપનાવ્યું છે.

