ગાંધીનગર: ‘ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ’ (GSFC) રાજ્ય સરકારનું સાહસ છે. જેના દ્વારા તૈયાર કરવામાં આવેલા ૭ નવા આધુનિક પાક સંરક્ષણ ઉત્પાદનોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રૂપે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજી આધારિત અને ટકાઉ કૃષિ તરફ આગળ વધવામાં GSFCના આ ઉત્પાદનો ખેડૂતો માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. અન્નદાતા ખેડૂતોની આવક વધારવા, ક્વોલિટી પ્રોડક્શન અને પાક સંરક્ષણ માટે આ નવી પહેલો ઈનોવેટીવ સાબિત થશે.
આ પ્રસંગે GSFCની ‘સરદાર’ બ્રાન્ડ હેઠળ ૭ નવી જંતુનાશક અને નિંદણનાશક દવાઓ—સરદાર સાથી, સરદાર રફતાર, સરદાર તુફાની ફિપ્રો, સરદાર જાનદાર, સરદાર આધાર, સરદાર જી-ગોલ્ડ અને સરદાર સેનાપતિ લોન્ચ કરવામાં આવી હતી. આ તમામ બનાવટો ‘કિસાન સુવિધા કેન્દ્રો’ અને અધિકૃત વિતરણ નેટવર્ક દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને મંત્રીઓના હસ્તે કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો પર આધારિત ‘કૃષિજીવન’ મેગેઝિનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ અને GSFCના ચેરમેન એમ. કે. દાસ, MD રાજેન્દ્ર કુમાર અને ડિરેક્ટર અશ્વિની કુમાર સહિત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.




