આઠ વર્ષ બાદ અમદાવાદમાં અમ્માનું ભવ્ય આગમન

આધ્યાત્મિકતા, કરુણા અને નિઃસ્વાર્થ માનવસેવાના પ્રતીક સમાન વિશ્વવિખ્યાત ગુરુ માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના લાંબા વિરામ બાદ ‘ભારત યાત્રા 2026’ અંતર્ગત અમદાવાદની પાવન ધરા પર પધાર્યા છે. સોલા સ્થિત ભાગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યભરમાંથી ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ, યુવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અમ્માનું પુષ્પવર્ષા સાથે ભાવભીનું સ્વાગત કર્યું હતું.

વિકસિત ભારતનું સ્વપ્ન અને અમ્માની પ્રેરણા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સમારોહનું વિધિવત્ ઉદ્ઘાટન કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ માત્ર મજબૂત અર્થતંત્ર, ટેક્નોલોજી કે આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજના છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું પણ એટલું જ અનિવાર્ય છે. અમ્માની નિઃસ્વાર્થ સેવા અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ વિકસિત ભારતના આ સંકલ્પને સાકાર કરવા માટે સૌથી મોટી પ્રેરણા છે. આ પ્રસંગે પોતાના દિવ્ય સંબોધનમાં અમ્માએ જીવનનો સાચો સાર સમજાવતા કહ્યું કે, સારા કર્મો જ મનુષ્ય જીવનને સાચો અર્થ અને ઉદ્દેશ્ય પૂરો પાડે છે. પ્રકૃતિ, સમગ્ર માનવજાત અને દરેક જીવજંતુ પ્રત્યેની આપણી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ જ સાચું સદ્કર્મ છે.

મહિલા સશક્તિકરણ અને ડિજિટલ પહેલની ભેટ

આ ઐતિહાસિક અવસરે સમાજ ઉત્થાન માટે અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા..

મહિલા પેન્શન યોજના: આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતી 300 મહિલાઓના ગૌરવ અને આર્થિક સુરક્ષા માટે વિશેષ પેન્શન સહાય યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત ‘અમૃતશ્રી’ (AmritaSREE) સભ્યોને આર્થિક સહાય અને સાડીઓનું વિતરણ કરાયું હતું.

‘અમૃતા ગંગા ગુજરાતી’ પ્લેટફોર્મ: ગુજરાતી ભાષી લોકો સુધી અમ્માના આધ્યાત્મિક ઉપદેશો, ભજનો અને સેવાકાર્યોની માહિતી સરળતાથી પહોંચે તે હેતુથી ‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મ તેમજ વિશેષ સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.

યુવાનોનો ‘નશામુક્ત ભારત’ માટે હુંકાર

કાર્યક્રમમાં અમ્માના આંતરરાષ્ટ્રીય યુવા સંગઠન ‘AYUDH’ ની પ્રેરણાદાયી કામગીરી રજૂ કરવામાં આવી હતી. 1985માં સ્થપાયેલું અને આજે 50થી વધુ દેશોમાં સક્રિય એવું આ સંગઠન પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોને જોડી રહ્યું છે. સમારોહમાં AYUDH ના સ્વયંસેવકોની આગેવાની હેઠળ ઉપસ્થિત હજારો યુવાનો અને નાગરિકોએ એકસ્વરે “નશામુક્ત યુવા માટે વિકસિત ભારત” નો દ્રઢ સંકલ્પ લીધો હતો.

ગુજરાત સાથે અમ્માનો અતૂટ અને ઐતિહાસિક નાતો

અમ્માની આ મુલાકાતે ગુજરાત સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધોની યાદો તાજી કરી હતી. વર્ષ 2001ના વિનાશક કચ્છ ભૂકંપ બાદ અમ્માના માર્ગદર્શન હેઠળ હજારો પરિવારો માટે ઘરો, શાળાઓ અને માળખાકીય સુવિધાઓનું પુનર્નિર્માણ કરાયું હતું. આ ઉપરાંત સુરતના પૂર વખતે અપાયેલી રાહત સહાય અને અમૃતા વિદ્યાલયમ જેવી સંસ્થાઓ થકી ગુજરાતમાં ચાલતી અવિરત સેવા પ્રવૃત્તિઓ તેમના ગુજરાત પ્રત્યેના પ્રેમની સાક્ષી પૂરે છે. આ ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, મેયર હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, અમદાવાદ કલેક્ટર ભાવ્યા વર્મા, IIM અમદાવાદના ડિરેક્ટર પ્રો. ભરત ભાસ્કર, અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને ડૉ. રવિદર્શનજી વ્યાસ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતે અમ્માએ ભજનો અને ધ્યાન કરાવી ઉપસ્થિત હજારો ભક્તોને દર્શન અને આશીર્વાદ આપ્યા હતા.