વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવો : શંકરાચાર્ય

વડનગર : ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરી સ્થિત સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના સર્વાંગી અને આધ્યાત્મિક વિકાસ અંગે શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. સ્વામીજીએ જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીમાં ભવ્ય ‘કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર’નો વિકાસ કરવામાં આવ્યો છે, તે જ તર્જ પર વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરને પણ ‘ગુજરાતની કાશી’ અથવા ‘ગુજરાતના વારાણસી’ તરીકે વિકસાવવાની દિશામાં નક્કર કાર્ય થવું જોઈએ.શંકરાચાર્ય સ્વામીએ વધુમાં ઉમેર્યું હતું કે, હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને ગુજરાતની કાશી તરીકે ઓળખ અપાવવા માટે વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સતત આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ કરીને આ પવિત્ર ભૂમિની ધાર્મિક ઊર્જામાં વધારો કરવો જોઈએ. તાજેતરમાં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે આયોજિત ‘વિશ્વ શાંતિ યજ્ઞ’માં પધાર્યા હતા, ત્યારે આ પવિત્ર સ્થળને વિશેષ યોજના હેઠળ સુસમૃદ્ધ બનાવવા અંગે તેમની સાથે વિસ્તૃત સંવાદ પણ કરવામાં આવ્યો હોવાનું સ્વામીએ જણાવ્યું હતું.

આ ભવ્ય સંકલ્પને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકતા સ્વામીજીએ ભાવના વ્યક્ત કરી હતી કે, સ્થાનિક જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને શ્રદ્ધાળુ ભક્તજનો — સૌ કોઈ સાથે મળીને વડનગરમાં થઈ રહેલા ભૌતિક વિકાસની સાથે-સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ પણ સાધે. હાટકેશ્વર ક્ષેત્રનો યોગ્ય વિસ્તાર, પૌરાણિક વારસાનું જતન અને જીર્ણોદ્ધાર તેમજ નિયમિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા આ તીર્થધામનો ભવ્ય વિકાસ થાય તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.