દાહોદમાં મુખ્યમંત્રીએ આદિવાસી પરિવારો સાથે યોજી ‘ખાટલા બેઠક’

દાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના તેમના પ્રવાસના ત્રીજા દિવસે શુક્રવારે ગરબાડા તાલુકાના ચંદાવાડા ગામના ભાભોર ફળિયા ખાતે સ્થાનિક આદિવાસી પરિવારો સાથે પરંપરાગત ‘ખાટલા બેઠક’ યોજીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. ગ્રામજનોએ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય રજૂ કરીને મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન ગ્રામજનોનો મુખ્યમંત્રી પ્રત્યેનો સ્નેહ જોવા મળ્યો હતો. ગામના દિવ્યાંગ રહેવાસી દિનેશભાઈ ચૌહાણ તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને સરપંચે કમળનું ફૂલ અર્પણ કરીને મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત, સ્થાનિક સખી મંડળની એક દિવ્યાંગ મહિલાએ વાંસ (Bamboo)માંથી હાથે બનાવેલું સુંદર પરંપરાગત તોરણ ભેટ આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

ખાટલા બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક લોકપરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ગ્રામજનો અને નાના બાળકો સાથે સીધો સંવાદ કરીને તેમની લાગણીઓ, જરૂરિયાતો અને અપેક્ષાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ અગાઉ, મુખ્યમંત્રીએ ગરબાડા તાલુકાના પાટાડુંગરી સ્થિત ‘ઠક્કરબાપા તળાવ’ની પણ મુલાકાત લીધી હતી. CMOના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ તળાવના વિસ્તાર, તેની જળસંગ્રહ ક્ષમતા, હાલમાં ઉપલબ્ધ પાણીના જથ્થા અને સિંચાઈ તથા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે અધિકારીઓ પાસેથી ઝીણવટભરી જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પાટાડુંગરી સ્થિત ‘નીર વાટિકા’ ખાતે વડના રોપાનું વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.