વોશિંગ્ટન : મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’માં ચીને પાકિસ્તાનને આપેલો લશ્કરી અને ટેકનિકલ ટેકો ભારતના ઉદયને દબાવવાની વ્યાપક રણનીતિનો એક ભાગ હતો, એમ અમેરિકાના એક મહત્વપૂર્ણ સંસદીય પંચે પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે. ‘યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યૂ કમિશન’ (USCC)એ અહેવાલમાં ભારપૂર્વક જણાવ્યું છે કે ચીન સરહદ પર લશ્કરી દબાણ અને ઔદ્યોગિક પુરવઠા પરના નિયંત્રણો દ્વારા ભારતને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહેવાલ મુજબ, મે 2025ના સંઘર્ષે દર્શાવ્યું કે ચીન સીધા યુદ્ધમાં ઉતર્યા વિના પોતાના ‘સદાબહાર મિત્ર’ પાકિસ્તાનને કટોકટીના સમયે કેવી રીતે મજબૂત બનાવી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ચીનના સરકારી પ્રસારણકર્તાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ચીની એન્જિનિયર ઝાંગ હેંગે સ્વીકાર્યું હતું કે તેઓ પાકિસ્તાન વાયુસેના (PAF)ના J-10CE ફાઇટર જેટ્સની લડાઇ ક્ષમતા વધારવા માટે ટેકનિકલ મદદ કરતી ટીમનો હિસ્સો હતા. અગાઉ લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે પણ ખુલાસો કર્યો હતો કે સંઘર્ષ દરમિયાન ચીને પાકિસ્તાનને ભારતની તૈનાતી અંગે ‘રિયલ-ટાઇમ ઇનપુટ્સ’ આપ્યા હતા.
પંચે ચેતવણી આપી છે કે પાકિસ્તાનને ટેકો આપવા ઉપરાંત ચીન LAC નજીક એરફિલ્ડ, રેલવે અને લોજિસ્ટિક્સનો વિસ્તાર કરી રહ્યું છે, અરુણાચલ પ્રદેશ સરહદે તણાવ યથાવત છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની નૌકાદળની હાજરી તથા જાસૂસી પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે.
અહેવાલમાં ચીનના ‘આર્થિક શસ્ત્ર’નો પણ ઉલ્લેખ કરાયો છે. પંચના જણાવ્યા અનુસાર, ચીન મહત્વપૂર્ણ ઔદ્યોગિક ઇનપુટ્સ, ટેકનોલોજી અને નિષ્ણાતો પરના નિયંત્રણનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને ધીમું પાડવા માટે ચીને એન્જિનિયરોને પાછા બોલાવ્યા, સાધનો અટકાવ્યા, ફાર્મા ઉત્પાદનોના કાચા માલના ભાવમાં ઘટાડો કરીને ભારતીય ઉત્પાદકો માટે સ્પર્ધા મુશ્કેલ બનાવી અને બેટરી ટેકનોલોજી પર નિકાસ નિયંત્રણો લાદ્યા છે.
બીજી તરફ, ભારત પણ લશ્કરી આધુનિકીકરણ, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાના નિર્માણ, સંવેદનશીલ ક્ષેત્રોમાં ચીની ભાગીદારી પર પ્રતિબંધ અને અમેરિકા સહિતના ભાગીદારો સાથે સહયોગ વધારીને આ પડકારનો સામનો કરી રહ્યું છે. અહેવાલમાં ભારતને એશિયામાં સત્તાનું સંતુલન જાળવવા અને ચીનની સપ્લાય ચેઇનના મુખ્ય વિકલ્પ તરીકે મહત્વપૂર્ણ ગણાવી અમેરિકા અને ભારત વચ્ચે ગુપ્તચર, દરિયાઈ, સંરક્ષણ ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ ઊંડા સહયોગની હિમાયત કરવામાં આવી છે.






