વોશિંગ્ટન : અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના મહત્વપૂર્ણ ગુનાહિત માહિતી ડેટાબેઝ ‘નેશનલ ક્રાઈમ ઈન્ફર્મેશન સેન્ટર’ (NCIC)માં કથિત સાયબર ઘૂસણખોરીની તપાસ શરૂ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તાજેતરના દિવસોમાં સામે આવેલી આ ઘટના છેલ્લા કેટલાક મહિનાઓમાં FBIની સિસ્ટમને નિશાન બનાવતો બીજો મોટો સાયબર હુમલો છે.
NCICએ સમગ્ર અમેરિકામાં ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે ગુનાહિત ઇતિહાસ, ધરપકડ વોરંટ, બેકગ્રાઉન્ડ ચેક, ગુમ થયેલા લોકો અને કોર્ટના આદેશો સંબંધિત માહિતી શેર કરવાનું મુખ્ય નેટવર્ક છે. તપાસથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, હેકર્સે NCIC ડેટાબેઝ સુધી પહોંચ મેળવી હોવાની શંકા છે, જોકે ઘૂસણખોરી કેટલી ઊંડી હતી અને કયો ડેટા પ્રભાવિત થયો છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકાના વિવિધ મહત્વપૂર્ણ માળખા અને સંસ્થાઓમાં સાયબર સુરક્ષા તથા ટેકનિકલ ખામીઓને લઈને ચિંતા વધી છે. 19 નવેમ્બરએ FBI ડિરેક્ટર કાશ પટેલે એક મીડિયા મુલાકાતમાં સંસ્થાના સાયબર સુરક્ષા પ્રયાસો અને સંવેદનશીલ ડેટાના રક્ષણ અંગે વાત કરી હતી, જે તપાસની માહિતી સામે આવ્યા બાદ થઈ હોવાનું જણાવાયું છે.
અગાઉ સપ્ટેમ્બર 2026માં FBIની જોબ વેબસાઈટ પર થયેલા સાયબર હુમલામાં વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ તેમજ ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા હજારો સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓનો સંવેદનશીલ અંગત ડેટા લીક થયો હતો, જેનો આરોપ ‘શાઈનીહન્ટર્સ’ (ShinyHunters) હેકિંગ જૂથ પર મુકાયો હતો. હાલ NCIC મામલે FBI દ્વારા તપાસ ચાલી રહી છે અને હુમલાખોરોની ઓળખ કે ડેટા ચોરી અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.






