નવી દિલ્હી:સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે દેશની કિશોરીઓને સુરક્ષિત કરવાના અભિયાનમાં ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2026માં શરૂ કરાયેલા ‘રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન’ હેઠળ 9 મહિનાથી પણ ઓછા સમયમાં 1 કરોડથી વધુ હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI)ના અંદાજિત આશરે 1.2 કરોડ પાત્રતા ધરાવતી 14 વર્ષની કિશોરીઓના વાર્ષિક લક્ષ્યાંક સામે આશરે 87 ટકા કવરેજ પૂર્ણ થયું છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આ સિદ્ધિ બદલ તમામ રાજ્યો, આરોગ્ય કર્મચારીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને બિહાર એમ કુલ 6 રાજ્યોએ 14 વર્ષની કિશોરીઓના રસીકરણમાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે, જ્યારે 12 રાજ્યોએ 80 ટકાથી વધુ કવરેજ પાર કર્યું છે.
આંકડાકીય દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ 29.33 લાખથી વધુ કિશોરીઓના રસીકરણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, ત્યારબાદ બિહારમાં 13.70 લાખ અને ગુજરાતમાં 7.75 લાખથી વધુ કિશોરીઓને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત આસામમાં 96 ટકા, તેલંગાણામાં 95 ટકા તેમજ કર્ણાટક અને ઉત્તરાખંડમાં 90 ટકાથી વધુ રસીકરણ નોંધાયું છે.
આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ સરકારી આરોગ્ય કેન્દ્રો પર 14 વર્ષની કિશોરીઓને માતા-પિતાની સંમતિથી વિનામૂલ્યે અને સ્વૈચ્છિક રીતે સિંગલ-ડોઝ HPV રસી આપવામાં આવે છે. U-WIN ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રસીકરણના સ્લોટ બુકિંગ, રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ડિજિટલ પ્રમાણપત્રોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.






