મારુતિના  50 ટકા માલિક કેવી રીતે બન્યાં સોનિયા ગાંધી?: નિશિકાંત દુબેનો સવાલ

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે 1970માં એક પણ પૈસાનું રોકાણ કર્યા વગર સોનિયા ગાંધી મારુતિ કંપનીના 50 ટકા માલિક  બની ગયાં હતાં. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારમાં બેંકોના રાષ્ટ્રીયકરણ, વડા પ્રધાન કાર્યાલયમાં ખાનગી કંપનીની ઓફિસ અને વડા પ્રધાનના ખાનગી સચિવ કંપનીના ડિરેક્ટર બનવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

ગોડ્ડાના સાંસદે સોનિયા ગાંધીને મારુતિ કંપનીનાં ‘વાસ્તવિક માલિક’ ગણાવ્યાં હતાં. વિદેશી નાગરિક હોવા છતાં કંપનીમાં તેમનું પદ કેવી રીતે હતું, તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. નિશિકાંત દુબેએ 21 નવેમ્બર, 1970નો ઉલ્લેખ કરતાં દાવો કર્યો હતો કે સંજય ગાંધીએ મારુતિ ટેક્નિકલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. આ કંપની કથિત રીતે સોનિયા ગાંધી સાથે સંકળાયેલી હતી. તેમણે સવાલ કર્યો હતો કે 1970માં કંપનીની રચના થઈ હતી તો 1968માં કાર બનાવવાની સરકારી મંજૂરી કેવી રીતે મળી હતી?

સોનિયા ગાંધી મારુતિ કંપનીમાં 50 ટકા  હિસ્સેદાર હતાં: નિશિકાંત દુબે

નિશિકાંત દુબેએ એક્સ પર લખ્યું હતું, ‘શું તમને ખબર છે કે વિદેશી નાગરિક હોવા છતાં સોનિયા ગાંધીજી મારુતિનાં મેનેજિંગ ડિરેક્ટર અને 50 ટકા હિસ્સેદાર હતાં? 21 નવેમ્બરે સંજય ગાંધીજીએ સોનિયા ગાંધીજીની મારુતિ ટેક્નિકલ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. મારુતિ કંપનીનાં વાસ્તવિક માલિક સોનિયા ગાંધીજી હતાં.’


સરકારી ખર્ચે કંપની માટે દુનિયાભરમાં ફરી રહ્યા હતા સંજય ગાંધી: નિશિકાંત

ભાજપના સાંસદે આરોપ લગાવ્યો હતો કે સંજય ગાંધી ભારત સરકારના ખર્ચે કંપનીના કામ માટે દુનિયાભરમાં પ્રવાસે ગયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારત સરકારના નિયમો અનુસાર કોઈ વિદેશી નાગરિક ભારતીય કંપનીમાં ડિરેક્ટર બની શકે નહીં, તો પછી સોનિયા ગાંધી 1970માં ડિરેક્ટર કેવી રીતે બની ગયાં? નિશિકાંત દુબેએ ઇન્દિરા ગાંધી સરકારના બેંકોના રાષ્ટ્રીયકરણના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમની કંપનીને લોન અપાવવા માટે જ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.