સબરીમાલા મંદિરમાં દર્શનને નામે કૌભાંડની આશંકા?

તિરુવનંતપુરમ: કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં દર્શનને નામે કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંદિરના દર્શન માટે ઓનલાઈન બુકિંગના સ્લોટ થોડા જ સમયમાં ફુલ થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં મંદિરે પહોંચતાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. ઓનલાઈન બુકિંગ અને વાસ્તવિક હાજરી વચ્ચેના મોટા તફાવતને કારણે કૌભાંડની આશંકા ઊભી થઈ છે. આ મામલે તપાસ કરવા માટે કેરળ સરકારે કમિટી રચવાનો નિર્ણય લીધો છે.

આશંકા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવ જાન્યુઆરી સુધી દર્શનના ઓનલાઈન સ્લોટ બુક થઈ ચૂક્યા છે, પરંતુ ઓનલાઈન બુકિંગ કરાવનારા હજારો શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચતા જ નથી. ઓનલાઈન બુકિંગ અને મંદિરે પહોંચનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વચ્ચેના મોટા તફાવતને કારણે શંકા ઊભી થઈ છે અને સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ કૌભાંડમાં ટ્રાવેલ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે. એજન્સીઓ મોટા પાયે શ્રદ્ધાળુઓને દર્શન કરાવવાને નામે અગાઉથી બુકિંગ કરાવી રહી છે. જોકે અંતિમ સમયે તેમની પાસે ગ્રાહકો ન હોવાને કારણે મંદિરે પહોંચનારા લોકોની સંખ્યા ઓછી રહી જાય છે.

ભગવાન અયપ્પાના આ મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ખાસ કરીને નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અહીં વાર્ષિક યાત્રા સીઝન હોવાથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થાય છે. આ વર્ષે દરરોજ એક લાખ ડેઇલી વર્ચ્યુઅલ દર્શન સ્લોટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે અને તમામ સ્લોટ બુક થઈ ચૂક્યા છે. જોકે સરકારનું ધ્યાન ત્યારે આ મામલે ગયું જ્યારે જાણવા મળ્યું કે બુકિંગ કરાવનારા 60 ટકા લોકો પણ દર્શન માટે પહોંચ્યા નથી.

18 નવેમ્બર પછી સતત ત્રણ દિવસ દરમિયાન આ વર્ષે માત્ર થોડા હજાર શ્રદ્ધાળુઓ જ મંદિરે પહોંચ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 2.64 લાખ હતો. સીઝનની શરૂઆત 16 નવેમ્બરે થઈ હતી, ત્યારે માત્ર 26,131 શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. આ આંકડામાં સ્પોટ બુકિંગ કરાવનારા શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ 17 નવેમ્બરે 35,000 અને 18 નવેમ્બરે લગભગ 40,000 શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. 20 નવેમ્બરે સપ્તાહના અંત પહેલાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી જ જોવા મળી હતી.