સીમાંકન વિધેયકને ટેકો આપવા સાંસદોને રૂ. 150 કરોડની ઓફરઃ રાઉતનો આરોપ

મુંબઈઃ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રસ્તાવિત સીમાંકન વિધેયક માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે આ માટે સાંસદોને રૂ. 150 કરોડ સુધીની ઓફર કરવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રના કેટલાક અગ્રણી રાજકીય નેતાઓને સાંસદોને વિધેયકના સમર્થનમાં મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. શુક્રવારે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાઉતે દાવો કર્યો કે આ કથિત ઓફર બે દિવસમાં રૂ. 100 કરોડથી વધીને રૂ. 150 કરોડ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે સાંસદોનો મોટા પાયે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

જોકે રાઉતે સંપર્ક કરવામાં આવેલા નેતાઓ કે સાંસદોનાં નામ જાહેર કર્યા નથી અને પોતાના દાવાને સમર્થન આપવા કોઈ પુરાવા પણ રજૂ કર્યા નથી.

અમિત શાહના મુંબઈ પ્રવાસો પર સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા

રાઉતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું. સંસદનું સત્ર કેમ બોલાવવામાં આવ્યું નથી તેવો સવાલ ઉઠાવતા રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપ આ વિધેયક માટે સમર્થન એકત્ર કરવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું હતું કે અમિત શાહ વારંવાર મુંબઈ આવી રહ્યા છે. તેઓ અહીં આટલી વાર કેમ આવે છે? અહીં શું લેવડદેવડ થઈ રહી છે?

મહારાષ્ટ્રમાં નેતાઓ પક્ષપલટો કરતા હોવા અંગે કટાક્ષ કરતાં રાઉતે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં એક ધારાસભ્યને રૂ. 50 કરોડ અને એક સાંસદને રૂ. 75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. તેથી રૂ. 150 કરોડ મોટી રકમ છે. આ સારી કિંમત છે. રાઉતે વધુમાં દાવો કર્યો કે તેમની પાર્ટી છોડીને ગયેલા છ સાંસદોને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા સોદા હેઠળ પ્રત્યેકને રૂ. 80-80 કરોડ આપવામાં આવ્યા હતા.