નવી દિલ્હીઃ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર આ વર્ષે જંગી વેપાર થવાનો અંદાજ છે. વેપારીઓના સંગઠન CAITના જણાવ્યાનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર દેશભરમાં લોકો અંદાજે રૂ. 40,000 કરોડનો ખર્ચ કરી શકે છે. લોકો ક્યાં-ક્યાં કેટલો ખર્ચ કરશે, ચાલો જાણીએ…
માખણ-મિસરી, દૂધ-દહીં, મેવા-મીઠાઈ, ફળ-ફૂલ, પૂજા સામગ્રી, ફૂલોની માળાઓ, મોરમુકુટ, લાડુ ગોપાલ અને કાન્હાની મૂર્તિઓ, ઝૂલા-શણગાર-બંદનવાર અને આભૂષણો સહિત અનેક વસ્તુઓની બજારમાં જોરદાર ખરીદી થઈ રહી છે. શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી હોવાથી બજારોમાં ખરીદી માટે આજે અને આવતી કાલે દિવસભરનો સમય છે. જેને કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
લાંબા વીકએન્ડને કારણે મોટી સંખ્યામાં લોકો મથુરા-વૃંદાવન, દ્વારકા અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલાં અન્ય ધાર્મિક શહેરોના પ્રવાસે પણ નીકળી રહ્યા છે. આવી સ્થિતિમાં કાન્હાના ઉત્સવને બહાને બજારમાં ધનવર્ષા થવાની શક્યતા છે. દેશના સૌથી મોટા વેપારી સંગઠન CAITના જણાવ્યાનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર રૂ. 40,000 કરોડના વેપારની શક્યતા છે.
જન્માષ્ટમી પર ક્યાં કેટલો ખર્ચ કરશે લોકો?
CAITના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ વર્ષે બજારોમાં માખણ-મિસરી, દૂધ, દહીં, પનીર અને અન્ય ડેરી ઉત્પાદનો, મીઠાઈ, ફળો, સૂકા મેવા, પૂજા-સામગ્રી, ફૂલોની માળાઓ, બંદનવાર, ઝૂલા, લાડુ ગોપાલની મૂર્તિઓ, મુકુટ, વાંસળી, મોરપંખ, આભૂષણો અને ખાસ પરિધાનોની માગ ખાસ કરીને વધી છે.
જન્માષ્ટમી પર રૂ. 40,000 કરોડનો વેપાર
કઈ વસ્તુઓના વેચાણમાં કેટલો હિસ્સો?
- મીઠાઈ, માખણ-મિસરી અને ડેરી ઉત્પાદનો — 20 ટકા
- ધાર્મિક પર્યટન, હોટેલ, પરિવહન અને અન્ય સેવાઓ — 15 ટકા
- ફૂલ, માળાઓ અને શણગાર સામગ્રી — 12 ટકા
- પૂજા-સામગ્રી, ધૂપ-અગરબત્તી, પંચામૃત અને પૂજન કિટ — 10 ટકા
- પરંપરાગત પરિધાન અને વસ્ત્રો — 10 ચકા
- ફળ, સૂકા મેવા અને પ્રસાદની સામગ્રી — 10 ટકા
- અન્ય ગ્રાહક ચીજવસ્તુઓ — 10%
- મૂર્તિઓ, ઝૂલા અને શણગાર સામગ્રી — 8 ટકા
- ભેટ, રમકડાં અને ઘરેલુ સજાવટની સામગ્રી — 5 ટકા

રાષ્ટ્રીય મહાસચિવ બોલ્યા—‘વોકલ ફોર લોકલ’ની તાકાત
CAITના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનની અસર તહેવારોના બજારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હવે મોટી સંખ્યામાં ગ્રાહકો ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપાર, કૂટિર ઉદ્યોગો, હસ્તકલા તથા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને મોટો લાભ મળી રહ્યો છે.




