યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર

નવી દિલ્હીઃ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપોને લગતા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટના વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (ACJM) અશ્વિની પવારે આ નિર્ણય આપ્યો હતો.

નિર્દોષ જાહેર થયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે હોઇહિ સોઇ જો રામ રચિ રાખા. આ ચોપાઈનો અર્થ એ થાય છે કે ભગવાન રામે જે નિયતિમાં લખ્યું છે, તે જ થઈને રહેશે. આ પહેલાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું, “હું માત્ર એ જ સાંભળીશ જે કોર્ટ કહેશે. મારા હાથમાં કંઈ નથી.

શું છે  મામલો?

આ કેસ છ મહિલા પહેલવાનો દ્વારા પૂર્વ WFI અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો સાથે સંબંધિત છે. મહિલા પહેલવાનોની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ FIR નોંધાવી હતી.

મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોએ દેશમાં ભારે ચર્ચા અને વિરોધ પ્રદર્શનને જન્મ આપ્યો હતો. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ સોમવારે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. 15 જૂન 2023એ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમના પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354 (મહિલાની લાજ ભંગ કરવી), 354A (યૌન ઉત્પીડન/અશ્લીલ ટિપ્પણી), 354D (પીછો કરવો) અને 506(1) (ફોજદારી ધમકી) હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હતા.

ત્યારબાદ 10 મે 2024ના રોજ ટ્રાયલ કોર્ટે પાંચ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન અને તેમની લાજ ભંગ કરવાના આરોપોમાં બૃજભૂષણ શરણ સિંહ સામે સત્તાવાર રીતે આરોપ નક્કી કર્યા હતા. એક કેસમાં એક સગીર મહિલા પહેલવાને પણ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપો લગાવ્યા હતા. જોકે બાદમાં તેણે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને તે કેસ બંધ કરવામાં આવ્યો હતો.