પાંચ વર્ષમાં પંજાબમાં છ મોટાં પેપર લીક, છતાં કેજરીવાલ ચૂપઃ માલીવાલ

નવી દિલ્હીઃ ભાજપનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો કે છેલ્લાં પાંચ વર્ષમાં પંજાબમાં છ મોટા પેપર લીક થયાં છે અને આ મુદ્દે તેમના મૌન પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીની “બી ટીમ”નો CJPનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ ટીમ કેજરીવાલના સહયોગીઓ દ્વારા બનાવવામાં આવી છે.

પાંચ વર્ષમાં પંજાબમાં મોટા પેપર લીક થયા હોવાનો આરોપ

તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પંજાબમાં છ મોટાં પેપર લીક થયાં છે અને તે સિવાય અનેક પરીક્ષાઓમાં નકલના આરોપો પણ સામે આવ્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે 19 જુલાઈએ યોજાયેલી ફાર્મસી પરીક્ષામાં પણ મોટા પાયે નકલ થઈ હતી. જોકે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પેપર લીકના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. માલીવાલે વધુમાં આરોપ લગાવ્યો કે કેજરીવાલે આમ આદમી પાર્ટી ઊભી કરી અને જ્યારે જવાબદારી નક્કી કરવાની વાત આવે છે ત્યારે તેઓ અને તેમની પાર્ટી બંને મૌન ધારણ કરે છે.

CJPને AAPની બી ટીમગણાવી

તેમણે કહ્યું હતું કે કોક્રોચ જનતા પાર્ટી (CJP) તેમની બી ટીમ છે, કારણ કે તે તેમના સહયોગીઓ દ્વારા અને તેમના પૈસાથી બનાવવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીએ સોશિયલ મિડિયા પર CJP માટે મોટું પેઇડ પી.આર. અભિયાન ચલાવ્યું છે.

કેજરીવાલ પર બેવડા વલણનો આરોપ

માલીવાલે વધુમાં આરોપ મૂક્યો હતો કે કેજરીવાલ લોકોનું વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન માટે આહવાન કરે છે, પરંતુ પંજાબમાં પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દરરોજ વિડિયો બનાવીને લોકોને રસ્તા પર ઊતરવા અને દિલ્હી તથા દેશને નેપાળ જેવી સ્થિતિમાં લઈ જવાની વાત કરે છે. નેપાળમાં હિંસક પ્રદર્શન થયા હતા. પરંતુ જ્યારે પંજાબના યુવાનો શાંતિપૂર્ણ રીતે પેપર લીક વિરુદ્ધ પ્રદર્શન કરે છે ત્યારે તેમના પર નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરાવવામાં આવે છે.

માલીવાલે વધુમાં કહ્યું હતું કે કેજરીવાલે પોતાને અસરકારક રીતે પંજાબના ‘સુપર મુખ્ય મંત્રી’ તરીકે સ્થાપિત કરી દીધા છે, છતાં તેઓ આ મુદ્દે મૌન છે. તેમણે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનને નિશાન બનાવતાં આરોપ લગાવ્યો કે પંજાબના મુખ્ય મંત્રી, જે આખો દિવસ નશામાં રહે છે, તેઓ બિનઅર્થપૂર્ણ અને અસંગત નિવેદનો આપી રહ્યા છે.