મુંબઈ: ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશને તેની ફ્લેગશિપ ‘રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સ 2026-27’ માટે અરજીઓ ખુલ્લી મુકવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશના 5,100 પ્રથમ વર્ષના ગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) વિદ્યાર્થીઓને આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે.
શિષ્યવૃત્તિ અને મુખ્ય લાભો
આ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને નીચે મુજબ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે:
-
અંડરગ્રેજ્યુએટ (UG) સ્કોલરશિપ: 5,000 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસકાળ દરમિયાન ₹2 લાખ સુધીની શિષ્યવૃત્તિ.
-
પોસ્ટગ્રેજ્યુએટ (PG) સ્કોલરશિપ: એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, એનર્જી અને લાઇફ સાયન્સ જેવા ફ્યુચર-રેડી ક્ષેત્રના 100 વિદ્યાર્થીઓને ₹6 લાખ સુધીની નાણાકીય સહાય.
-
કોઈ પણ અરજી ફી નહીં: આ સમગ્ર અરજી પ્રક્રિયા માટે કોઈ પણ તબક્કે ફી લેવામાં આવતી નથી.
નાણાકીય સહાય ઉપરાંત સર્વાંગી વિકાસ
રિલાયન્સ ફાઉન્ડેશન માત્ર આર્થિક મદદ જ આપતું નથી, પરંતુ પસંદગી પામેલા સ્કોલર્સને મેન્ટરશિપ (માર્ગદર્શન), લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, નેટવર્કિંગની તકો અને ક્ષેત્રના નિષ્ણાતો સાથે સંવાદ કરવાની તક પૂરી પાડે છે.
અરજી કરવાની રીત અને વિગતો
યોગ્યતા ધરાવતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પોર્ટલ scholarships.reliancefoundation.org પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. UG માટે યોગ્યતા અને આર્થિક પૃષ્ઠભૂમિ તથા PG માટે એકેડેમિક ગુણવત્તાના આધારે પસંદગી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં રિલાયન્સ ફાઉન્ડેશને 33,000થી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને તેમના ઉચ્ચ શિક્ષણના સ્વપ્નો સાકાર કર્યા છે. ડિસેમ્બર 2022માં નીતા અંબાણીએ આગામી 10 વર્ષમાં 50,000 નવી સ્કોલરશિપ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે અંતર્ગત આ વર્ષના આયોજનની જાહેરાત કરવામાં આવી છે.






