ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આસામના પૂર પીડિતો માટે સહાય

અમદાવાદ: ભારતના ચા વેપાર ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) દ્વારા પૂરની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા આસામના પૂર પીડિતો માટે ₹81.36 લાખનું રાહત યોગદાન આપવામાં આવ્યું છે. FAITTAના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈના નેતૃત્વ હેઠળ સંસ્થાના પ્રતિનિધિમંડળે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF) માં આ સહાય રાશિ અર્પણ કરી હતી.

સામાજિક જવાબદારી 

FAITTA દેશભરના ચા ઉત્પાદકો, વેપારીઓ, પેકેટર્સ, બ્રોકર્સ અને જથ્થાબંધ તથા છૂટક વેપારીઓને એક મંચ પર લાવતી શીર્ષ સંસ્થા છે. આ કુદરતી આફતના સમયે સંસ્થાએ માત્ર નાણાકીય સહાય જ નથી આપી, પરંતુ દેશના અન્ય પ્રાદેશિક ચા એસોસિએશનોને પણ આ સેવા કાર્યમાં જોડાવવા માટે ભાવભરી અપીલ કરી છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે ચા ઉદ્યોગને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા સાથે પૂર પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

FAITTA ના ચેરમેન અને વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું, “આસામ આપણી સમૃદ્ધ ચા પરંપરાનું હૃદય છે અને અહીંના ખેડૂતો તથા સમુદાયે દેશના ચા ઉદ્યોગ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. જ્યારે પણ આવી મોટી આપત્તિ આવે, ત્યારે આખા ચા પરિવારે એક થઈને મદદ માટે આગળ આવવું જ જોઈએ. મુખ્યમંત્રી રાહત ફંડમાં અમારું આ યોગદાન આ મુશ્કેલ સમયમાં આસામના લોકોની સાથે ઊભા રહેવાનો એક વિનમ્ર પ્રયાસ છે. અમને આશા છે કે આનાથી પીડિત પરિવારોને રાહત મળશે અને તેમનો ઉત્સાહ વધશે.”

મુખ્યમંત્રીએ બિરદાવી પહેલ

આસામના મુખ્યમંત્રીએ FAITTAના આ ઉદાર અને સંવેદનશીલ યોગદાનની સરાહના કરી હતી અને આસામના લોકો પ્રત્યે દર્શાવેલી સહાનુભૂતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલથી ચા સમુદાયની સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે અને કુદરતી આપત્તિઓના સમયે સમગ્ર ચા મૂલ્ય શૃંખલાના હિસ્સેદારોને એકજૂટ કરવામાં FAITTAની ભૂમિકા પ્રસ્થાપિત થઈ છે.