જળ વિવાદઃ સુપ્રીમ કોર્ટનો કર્ણાટકને CWMAનો આદેશ માનવા નિર્દેશ

નવી દિલ્હીઃ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે કાવેરી જળની વહેંચણીને લઈને વિવાદ ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન તમિલનાડુએ કર્ણાટક પર સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં રાજ્યને પૂરતું પાણી ન મળતું હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કર્ણાટકે કહ્યું હતું કે તેની સ્થિતિને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી રહી નથી.

સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA)ના નિર્દેશોનું પાલન કરવા અને તામિલનાડુ માટે પાણી છોડવા જણાવ્યું છે. એ સાથે જ કોર્ટે CWMA પાસેથી વર્તમાન સ્થિતિ અંગેનો તાજો રિપોર્ટ પણ માગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 24 ઓગસ્ટે થશે.

તામિલનાડુએ શું કહ્યું?

તમિલનાડુ તરફથી વરિષ્ઠ વકીલ સી.એસ. વૈદ્યનાથને કોર્ટને જણાવ્યું કે કર્ણાટક CWMAના નિર્દેશો અનુસાર પાણી છોડતું નથી, જેને કારણે રાજ્યના ખેડૂતોને જરૂરી પાણી મળી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલ (CWDT)ના નિર્ણય અનુસાર તામિલનાડુને અત્યાર સુધીમાં 64 TMC પાણી મળવું જોઈએ હતું. જોકે તેને માત્ર 14 TMC પાણી જ મળ્યું છે. રાજ્યનો દાવો છે કે આ વર્ષે પાણીના ઓછા પ્રવાહને ધ્યાનમાં લેવામાં આવે તો પણ તેને પ્રમાણસર 55.29 ટકા પાણી મળવું જોઈએ. હાલમાં લગભગ 20 TMC પાણીની અછત છે.

કર્ણાટકનો પક્ષ

કર્ણાટક તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને તામિલનાડુના આરોપોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કર્ણાટક પોતે જ કાવેરી બેસિનમાં ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે CWMAએ પણ પોતાના નિર્દેશો જાહેર કરતી વખતે આ સ્થિતિને ધ્યાનમાં લીધી હતી.

સુપ્રીમ કોર્ટનો આદેશ

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટકને CWMAના આદેશોનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે એક સપ્તાહ બાદ આ મામલે ફરી સુનાવણી કરવામાં આવશે, જેથી પાણી છોડવાની તાજી સ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કરી શકાય.

શું છે મામલો?

તામિલનાડુ સરકારે ત્રીજી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાજ્યએ કોર્ટને 30 જુલાઈના CWMAના આદેશને લાગુ કરાવવાની માગ કરી હતી. આ આદેશમાં કર્ણાટકને 15 દિવસ સુધી દરરોજ 3500 ક્યુસેક પાણી છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.