ચોરોના સરદારની ટિપ્પણીનો કેસઃ હાઇકોર્ટનો રાહુલ ગાંધીને આંચકો

મુંબઈઃ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે રાહુલ ગાંધીની તે અરજી ફગાવી દીધી, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી એક જૂની ટિપ્પણીને લઈને નોંધાયેલી માનહાનિની ફરિયાદ રદ કરવાની માગ કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડા પ્રધાન મોદી માટે કથિત રીતે ચોરોના સરદાર અને કમાન્ડર-ઇન-ચીફ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

જસ્ટિસ નીતિન બોરકરની બેન્ચે સંભળાવ્યો ચુકાદો

આ મામલાની સુનાવણી કરી રહેલા બોમ્બે હાઈકોર્ટના સિંગલ ન્યાયાધીશ જસ્ટિસ નીતિન બોરકરે રાહુલ ગાંધીની અરજી ફગાવીને ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટનો વિગતવાર આદેશ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલાં ફરિયાદી, રાહુલ ગાંધીના કાનૂની પક્ષ અને મહારાષ્ટ્ર સરકારની દલીલો વિગતવાર સાંભળ્યા બાદ કોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

આ ફોજદારી માનહાનિની ફરિયાદ ભાજપના કાર્યકર મહેશ શ્રીમાલે મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાવી હતી. ફરિયાદને આધારે મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યાં હતાં. આ સમન્સને પડકારવા માટે રાહુલ ગાંધીએ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. ફરિયાદીનો તર્ક હતો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીનો સીધો હેતુ વડા પ્રધાન તેમજ દેશની સત્તારૂઢ પાર્ટી અને તેના કાર્યકરોની છબી ખરાબ કરવાનો હતો. વડા પ્રધાનને ચોરોના સરદાર કહેવું પરોક્ષ રીતે ભાજપના તમામ કાર્યકરો અને સભ્યોને “ચોર” ગણાવવા સમાન છે. તેથી પાર્ટીના કોઈ પણ કાર્યકરને માનહાનિની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવે રાહુલ ગાંધીને નીચલી અદાલતમાં આ ફોજદારી માનહાનિની કાર્યવાહીનો સામનો કરવો પડશે.