નવી દિલ્હીઃ ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો છે કે વોડાફોન આઇડિયા (VI) તેમના મોબાઇલ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ખોટી રીતો અપનાવી રહી છે. એરટેલ અને જિયોએ આ અંગે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ (ટ્રાઈ– TRAI)માં ફરિયાદ કરી છે અને આ મામલાની તપાસ કરવાની માગ કરી છે.
આ ઘટનાક્રમથી માહિતગાર ત્રણ લોકોએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાઓમાં ટ્રાઈ સાથે થયેલી અનેક બેઠકો અને સત્તાવાર સંવાદ દરમિયાન દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓએ ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની VI પર અયોગ્ય રીતો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્રાઈને VIને આ મામલે ધ્યાન આપવા માટે નિર્દેશ આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ પોતાના દાવાના સમર્થનમાં પુરાવા પણ રજૂ કર્યા છે. આ અંગે પૂછવામાં આવતા વોડાફોન આઇડિયાએ કહ્યું હતું કે તે એવું કોઈ કામ કે પગલું લઈ રહી નથી, જેનાથી વર્તમાન નિયમો અથવા કાયદાનું ઉલ્લંઘન થાય.
જિયો અને એરટેલે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જોડવામાં ખોટી રીતો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. MNP હેઠળ ગ્રાહક પોતાનો મોબાઇલ નંબર બદલ્યા વિના ટેલિકોમ સેવા પ્રદાતા બદલી શકે છે. અગ્રણી ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે ગ્રાહકોને એવા લોકો ફોન કરે છે, જેઓ પોતાને વોડાફોન સિવાયની અન્ય ટેલિકોમ કંપનીઓના કર્મચારી તરીકે ઓળખાવે છે. તેઓ ગ્રાહકોને ટૂંક સમયમાં ટેરિફમાં વધારો થવાની અને હાલના પ્લાનમાં ફેરફાર થવાની માહિતી આપે છે.

ત્યાર બાદ વોડાફોન આઇડિયાના કર્મચારીઓ એ જ ગ્રાહકોને ફોન કરીને તેમને વોડાફોનની સેવા અપનાવવા માટે મનાવવાનો પ્રયાસ કરે છે. બંને કંપનીઓનું કહેવું છે કે આ ટ્રાઈના 2021ના તે નિર્દેશોનું ઉલ્લંઘન છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ ઓપરેટરો એવાં કોઈ પગલાં નહીં લે, જેને કારણે હરીફ ઓપરેટરના નેટવર્કમાંથી ગ્રાહકો બહાર નીકળી જાય. ટેલિકોમ કંપનીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે VI કેટલાક સર્કલમાં એવા SMS રોકી રહી હતી, જે MNP માટે યુનિક પોર્ટિંગ કોડ (UPC) જનરેટ કરવા માટે ફરજિયાત રીતે 1900 નંબર પર મોકલવાના હોય છે.




