નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાએ ગુરુવાર (17 સપ્ટેમ્બર)એ UPI મારફતે થતા ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ચાર્જ વસૂલવાના મામલે કેન્દ્ર સરકારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેમણે કેન્દ્રના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવી રાખવું અને તેનું સંચાલન કરવું સસ્તું નથી. જોકે તેમણે સરકારને રિટેલ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવાની સલાહ પણ આપી હતી. CMએ કહ્યું હતું કે UPI સિસ્ટમ ચલાવવી ખૂબ ખર્ચાળ છે. તેમણે કહ્યું હતું કે જે વસ્તુઓ આપણને મફતમાં મળે છે, તેની આપણે કદર કરતા નથી.
તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ ચાર્જ દરેક વ્યક્તિ પર લગાવવામાં આવી રહ્યો નથી. સૌપ્રથમ એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને પૈસા મોકલવા પર કોઈ ચાર્જ લાગતો નથી. આ ઉપરાંત સામાન્ય ગ્રાહકો પાસેથી પણ ત્યાં સુધી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, જ્યાં સુધી તેઓ નિર્ધારિત મર્યાદાથી વધુનું ટ્રાન્ઝેક્શન ન કરે.
ઘણો ખર્ચ થાય છે
તેમણે કહ્યું હતું કે આ ચાર્જ તમારી પાસેથી કે મારી પાસેથી લેવામાં આવશે નહીં. જ્યાં ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે તે વેપારીઓએ તેનો ચૂકવવાનો રહેશે. હાલમાં જે આદેશ જારી કરવામાં આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ ચાર્જ ગ્રાહક પર નાખી શકાશે નહીં. બીજી વાત એ છે કે જો તમે અને હું એકબીજાને પૈસા મોકલીએ છીએ, તો તેના પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં. રૂ. 2000થી ઓછાના ટ્રાન્ઝેક્શન પર કોઈ મર્ચન્ટ ચાર્જ નથી, કારણ કે મોટા ભાગના વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન રૂ. 2000થી ઓછા હોય છે. રૂ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે, પરંતુ તેની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે મેં સાંભળ્યું છે કે UPIને ચાલુ રાખવા માટે લગભગ રૂ. 20,000 કરોડનો ખર્ચ થાય છે. રૂ. 20,000 કરોડનો અર્થ એ છે કે આ પૈસા તમારા અને મારા દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સમાંથી આવી રહ્યા છે. ક્યાંકથી તો આ પૈસા આવી જ રહ્યા છે. એટલે જાણતાં-અજાણતાં આપણે UPI માટે પહેલેથી જ ચુવણી કરી રહ્યા છીએ. પરંતુ આજે આપણે તેના માટે આપણા ટેક્સ દ્વારા ચુકવણી કરી રહ્યા છીએ.




