અમદાવાદ: જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની મહાન પરંપરાને ઉજાગર કરતી એક પ્રેરણાદાયી તપસ્યા તરીકે જૈન શ્રાવક નિપેક્ષ શેઠ દ્વારા કરવામાં આવેલા ૧૮૦ દિવસના કઠોર ઉપવાસ કરવામાં આવ્યા. જેની પૂર્ણાહૂતિ (પારણાં) આગામી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ યોજાશે. ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાની ઉપસ્થિતિમાં યોજાશે. અમદાવાદના ભઠ્ઠા, પાલડી સ્થિત પંકજ જૈન સંઘ ખાતે આ આધ્યાત્મિક પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તપસ્વી નિપેક્ષ શેઠે ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજથી આ અવિરત તપસ્યાનો પ્રારંભ કર્યો હતો.
ઉજવણા ઉત્સવના વિવિધ કાર્યક્રમો
તપસ્વીના તપ ઉજવણા ઉત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું નિર્ધારણ કરવામાં આવ્યું છે:
-
૧૮ સપ્ટેમ્બર: સવારે ૬:૩૦ કલાકે શક્રસ્તવ અભિષેક અને બપોરે ૨:૩૦ કલાકે સાંજી મહેંદી.
-
૧૯ સપ્ટેમ્બર: સવારે ૬:૩૦ કલાકે તપ વંદનાવલી અને સાંજે ૭:૩૦ કલાકે કુમારપાળ મહારાજા આરતી.
-
૨૦ સપ્ટેમ્બર: પંકજ જૈન સંઘ ખાતે ભવ્ય શોભાયાત્રા અને પારણાં મહોત્સવ.

ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાના આશીર્વચન
પચ્ચખાણદાતા ગચ્છાધિપતિ ગુરૂદેવે જણાવ્યુ હતું કે, “આજના ભૌતિકવાદી યુગમાં ૧૮૦ દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર અવિચળ રહેવું એ શ્રદ્ધા, સંયમ અને આત્મબળની ઉત્કૃષ્ટ સાધના છે. ઉપવાસ એ કેવળ કાયાને કષ્ટ આપવાનું સાધન નથી, પરંતુ આત્મા પર લાગેલા કર્મોના મેલને ધોવાની આધ્યાત્મિક પ્રક્રિયા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે વર્તમાન સમયમાં જંકફૂડ અને પ્રોસેસ્ડ આહારથી વધતી બીમારીઓ સામે સંયમિત આહારપદ્ધતિ અને યોગ્ય રીતે કરાયેલા ઉપવાસ શરીરને સ્વસ્થ અને આત્માને શુદ્ધ બનાવે છે.
તપસ્વી નિપેક્ષ શેઠનો મનોભાવ
તપસ્વી નિપેક્ષ શેઠે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, “માતા-પિતા, જિનશાસન પરનો દ્રઢ વિશ્વાસ અને ગચ્છાધિપતિ ગુરૂદેવના આશીર્વાદથી આ તપસ્યા શક્ય બની છે. નવકાર મંત્રના જાપથી શારીરિક થાક દૂર થતો હતો. મન મજબૂત હોય તો શરીર ગમે તેવા કઠિન સંકલ્પને ઝીલી શકે છે, અને આ તપથી મને અપાર આંતરિક શાંતિનો અનુભવ થયો છે.”




