દિલ્હીમાં રાજકીય ગરમાવો: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષનો હોબાળો

દેશની રાજધાની દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન INDIA ના સાંસદો અને દિલ્હી પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણનો માહોલ સર્જાયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને INDIA ગઠબંધનના અનેક સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ નોંધાવવા જંતર-મંતર તરફ આગળ વધી રહ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે જંતર-મંતરથી આશરે 300 થી 500 Meter દૂર જ ભારે બેરિકેડિંગ કરીને તમામ નેતાઓને રોકી લીધા હતા.

સાગર રત્ના રેસ્ટોરન્ટમાં થઈ હતી મહત્ત્વની બેઠક

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિમંત્રણ પર INDIA ગઠબંધનના સાંસદો દિલ્હીના જનપથ સ્થિત સાગર રત્ના રેસ્ટોરન્ટમાં એકઠા થયા હતા. આ સ્થળ જંતર-મંતરથી માત્ર 100 Meter દૂર છે. આ બેઠક બાદ રાહુલ ગાંધી અને અન્ય સાંસદો પગપાળા જંતર-મંતર તરફ આગળ વધ્યા હતા, પરંતુ સુરક્ષાદળોએ તેમને અધવચ્ચે જ અટકાવી દીધા હતા.

જંતર-મંતર પર BNSS ની કલમ 163 લાગુ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારમાં BNSS ની કલમ 163 લાગુ કરી દીધી છે. કનેક્ટિંગ પોઈન્ટ્સ પર 100 થી વધુ સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો સાંસદો જંતર-મંતર, કનોટ પ્લેસ કે વિન્ડસર પેલેસ તરફ આગળ વધશે તો તેમને અટકાવીને હિરાસતમાં લેવામાં આવશે. પોલીસ હાલ ‘વેઇટ એન્ડ વોચ’ ની નીતિ અપનાવી રહી છે.

સમાજવાદી પાર્ટી પ્રદર્શનથી દૂર રહી

આ વિરોધ પ્રદર્શન વચ્ચે વિપક્ષી એકતામાં તિરાડ પણ સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) આ પ્રદર્શનમાં સામેલ થઈ નથી. એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસ તરફથી સમાજવાદી પાર્ટીને આ વિરોધ પ્રદર્શન માટે યોગ્ય રીતે આમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને યોગ્ય સંવાદનો પણ અભાવ હતો.

રસ્તા પર પ્રિયંકા ગાંધીનો વિરોધ

કોંગ્રેસની બસોને અટકાવવામાં આવ્યા બાદ પ્રિયંકા ગાંધી રસ્તા પર જ બેસીને વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત દળો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષનો આરોપ છે કે સરકાર લોકતાંત્રિક અધિકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.