વિરોધ-પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની ટીંગાટોળી કરી અટકાયત

નવી દિલ્હી: ગઈકાલના હાઈવોલ્ટેજ ડ્રામા અને મોડી રાત સુધી ચાલેલા ધરણાં બાદ આજે ફરી દિલ્હીના રસ્તાઓ પર રાજકીય સંગ્રામ જોવા મળ્યો. મતદારયાદીમાં કથિત ગડબડી અને ‘વોટ ચોરી’ના આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને ઇન્ડિયા (INDIA) ગઠબંધનનું આંદોલન વધુ ઉગ્ર બન્યું. ‘ઇન્ડિયા’ ગઠબંધનના સાંસદો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પ્રદર્શન સ્થળેથી બળપૂર્વક ખસેડીને બસમાં બેસાડી દીધા હતા.આ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ અટકાયત કરવામાં આવી છે. જંતર-મંતરથી માત્ર 100 મીટર દૂર જ પોલીસે વિપક્ષી નેતાઓને અટકાવતા પોલીસ અને સાંસદો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું.<

વિપક્ષી નેતાઓની લંચ ડિપ્લોમસી અને જંતર મંતર માર્ચ

દિલ્હીના જનપથ ખાતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની બેઠક અને લંચ બાદ, રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના આશરે ૩૦૦ સાંસદો અને વરિષ્ઠ નેતાઓ બસમાં બેસીને જંતર મંતર તરફ રવાના થયા હતા.

જંતર મંતર ખાતે પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તીખો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે:

“મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના વૈધ ચૂંટણી કમિશનર નથી. જ્યારે ૩૦૦ જેટલા લોકસભા સાંસદો તેમને મળવા માગે છે, ત્યારે અમને રોકવામાં આવે છે. અમારી સામે નોંધાયેલી FIRથી અમે ડરવાના નથી. લોકશાહી અને બંધારણના રક્ષણ માટેનો આ સંગ્રામ ચાલુ જ રહેશે.”

AAP પણ આંદોલનમાં જોડાઈ, કશ્મીરી ગેટ ખાતે ચક્કાજામ

અગાઉ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સૌરભ ભારદ્વાજ અને પક્ષના કાર્યકરોએ કશ્મીરી ગેટ નજીકની સિંધિ એકેડેમીથી દિલ્હી CEO ઓફિસ તરફ માર્ચ કરી હતી. આપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે મતદારયાદીમાંથી લાખો લોકોના નામો અન્યાયી રીતે કાઢી નાખવામાં આવ્યા છે. પોલીસે બેરિકેડ્સ મૂકીને વિરોધ પ્રદર્શન કરી રહેલા ‘આપ’ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

દિલ્હી પોલીસનો ભારે બંદોબસ્ત અને અટકાયત

દિલ્હી પોલીસે જંતરમંતર અને કનેક્ટ પ્લેસ તરફ જતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રિયંકા ગાંધી વાડ્રા, દેવેન્દ્ર યાદવ સહિતના અનેક નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.