ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રિયુવેન અઝારે સંભવિત રેડિકલ ઇસ્લામિક આતંકવાદી હુમલાઓને લઈને એક ગંભીર ચેતવણી જારી કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત અને ઇઝરાયેલ સહિત વિશ્વના તમામ દેશોએ આતંકવાદની એક નવી અને વધુ ખતરનાક લહેર માટે તૈયાર રહેવું પડશે. આતંકવાદી સંગઠનો સરકારો અને સુરક્ષા એજન્સીઓ કરતાં વધુ ઝડપથી પોતાની ક્ષમતાઓ વધારી રહ્યા છે, તેથી સુરક્ષા એજન્સીઓએ તેમનાથી એક કદમ આગળ રહીને કામ કરવું પડશે. એક ખાસ ઇન્ટરવ્યુમાં અઝારે જણાવ્યું હતું કે, આતંકીઓ આપણા કરતાં ઝડપી છે અને આપણે તેમનાથી વધુ ઝડપી બનવું પડશે. જો આતંકવાદની આગામી લહેરથી બચવું હોય તો સતત સતર્ક રહેવું અને સમયસર તૈયારીઓ કરવી અનિવાર્ય છે. આગામી લહેર ચોક્કસપણે આવશે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસની સક્રિયતાનો દાવો
આતંકવાદી સંગઠનો વચ્ચે વધી રહેલા પરસ્પર સહયોગ અંગે સવાલ પૂછતાં અઝારે મધ્ય પૂર્વ બહાર હમાસની વધી રહેલી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા 1 વર્ષમાં હમાસના અનેક સિનિયર કમાન્ડરો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જોવા મળ્યા છે. તેમણે હમાસના નેતાઓ નાજી ઝાહિર અને ખાલીદ અલ-કદૂમીના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં હાજરી આપવાના પણ ગંભીર દાવા કર્યા હતા. આ ઉપરાંત, અઝારે 2025 ના પહેલગામ આતંકી હુમલાને પણ હમાસના પ્રભાવનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે હમાસે આ ક્ષેત્રના આતંકી સંગઠનોને પ્રેરિત કર્યા છે. અહીં હમાસના પ્રતિનિધિઓની બેઠકો યોજાઈ હોવાની માહિતી સામે આવી છે, જોકે પડદા પાછળ શું રમાઈ રહ્યું છે તે અંગે ઊંડી તપાસ જરૂરી છે.

ફ્લાયદુબઈ હાઇજેક પ્રયાસ: ભારતીય પાઇલટની બહાદુરીના વખાણ
ઇઝરાયેલી દૂતના આ નિવેદનો ફ્લાયદુબઈ વિમાનની એ ગંભીર ઘટનાની તપાસ વચ્ચે આવ્યા છે, જેમાં ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ ભારતીય કપ્તાન સ્મિત મછાર પર હુમલો કરી વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મછારે અસાધારણ હિંમત દાખવીને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેના પછી મુસાફરોએ અંદર ઘૂસીને કો-પાઇલટને કાબૂમાં લીધો હતો. આ વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. અઝારે જણાવ્યું કે તપાસ હજુ એ નક્કી નથી કરી શકી કે આ એકલા વ્યક્તિનો હુમલો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું. જોકે તેમણે તેને વર્તમાન સમયનો મોટો ખતરો ગણાવ્યો હતો.
ઇઝરાયેલે લડાયક વિમાનો એલર્ટ કર્યા હતા
અઝારના જણાવ્યા અનુસાર, આવી ગંભીર પરિસ્થિતિઓમાં ઇઝરાયેલની વાયુસેનાને એલર્ટ કરવામાં આવે છે અને રાજકીય નેતૃત્વ નિર્ણય લે છે. ઇઝરાયેલી મીડિયા અહેવાલો મુજબ, જો વિમાનથી 9/11 જેવા ખતરાની આશંકા હોત તો ઇઝરાયેલ તેને તોડી પાડવાનો નિર્ણય પણ લઈ શક્યું હોત. ઇઝરાયેલી ફાઇટર જેટ્સ પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ ફ્લાયદુબઈ વિમાન સાઉદી અરેબિયા તરફ ફંટાઈ જતાં તેમને પરત બોલાવી લેવાયા હતા. ઇઝરાયેલી રાજદૂતે ભારતીય પાઇલટ સ્મિત મછાર અને મુસાફરોની બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા હતા.




