ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઇજેક આતંકવાદી કાવતરું: UAE એ સ્વીકારી ‘ટેરર એક્ટ’

દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં કોકપિટ ખાતે થયેલી હાઇજેકની સનસનાટીભરી કોશિશને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ સત્તાવાર રીતે ‘આતંકવાદી કૃત્ય’  ગણાવ્યું છે. અમીરાત પ્રશાસન દ્વારા આ ઘટનાને આતંકવાદ સાથે જોડીને જોવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ ગંભીર અને જીવલેણ પરિસ્થિતિ દરમિયાન ભારતીય પાયલોટ સ્મિત મછારે દર્શાવેલી અસાધારણ હિંમત, સૂઝબૂઝ અને જવાબદારીની સંયુક્ત આરબ અમીરાતના ઉચ્ચ સ્તરેથી ભારે સરાહના કરવામાં આવી છે.

“પાયલોટ સ્મિત સાચા અર્થમાં હીરો છે” – અનવર ગર્ગશ

UAE ના રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર ડો. અનવર ગર્ગશે ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિત મછારની બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પાયલોટ સ્મિત મછાર તમામ પ્રકારના માન-સન્માન અને પ્રશંસાના હકદાર છે. એક આતંકવાદી ઘટના અને સંભવિત મોટી વિમાન દુર્ઘટનાના મુખમાં પણ તેમણે જે હિંમત અને પ્રોફેશનલિઝમ દાખવ્યું છે તે વંદનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યંત કઠિન અને તણાવપૂર્ણ સંજોગોમાં તેમની વ્યાવસાયિક કુશળતા અને નૈતિક સમજણે એક મોટી હોનારત ટાળી છે, જે તેમને સાચા અર્થમાં હીરો બનાવે છે. આ ઘટનાને હળવાશથી લેવા કે કોઈ કાવતરાના સિદ્ધાંતોમાં ઉલઝવાને બદલે ઉગ્રવાદ અને આતંકવાદના ખતરા સામે સતત સતર્ક અને સાવચેત રહેવું અત્યંત જરૂરી છે.

સઉદી અરેબિયા ખાતે ફ્લાઇટ ડાયવર્ટ, ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ

કટોકટીના આ પ્રસંગે વિમાનને તાત્કાલિક અસરથી સઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોનો બચાવ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને UAE ના એટર્ની જનરલ ડૉ. હમદ સૈફ અલ શમ્સીએ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ પબ્લિક પ્રોસિક્યુશન ટીમની રચના કરી છે. તપાસ ટીમે વિમાનની અંદર બનેલી ઘટનાથી જોડાયેલા તમામ પુરાવા અને વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આતંકવાદી ષડયંત્ર પાછળ કોનો હાથ હતો અને કોકપિટમાં બરાબર શું બન્યું હતું તેનો પર્દાફાશ કરવા માટે વિશેષ એજન્સીઓ કામે લાગી છે.