180 ના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતને PM મોદીની શાબાશી

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઇટમાં ઓમાની કો-પાઇલોટના હુમલા બાદ સર્જાયેલી ભયાનક સ્થિતિમાં 180 થી વધુ મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાઇલોટ કેપ્ટન સ્મિત મછારનું પરાક્રમ હાલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી. વડાપ્રધાનની વાણીમાં માત્ર એક પાઇલોટની પ્રશંસા જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની છબી અને મૂલ્યોનો સ્પષ્ટ પડઘો પાડતો સંદેશ હતો. પીએમ મોદીએ કહ્યું કે, “જો તમે આટલી બહાદુરી ન દર્શાવી હોત અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હોત, તો ગ્લોબલ પાઇલોટ કમ્યુનિટી અને ભારત વિશે ન જાણે કેવી-કેવી અફવાઓ ફેલાવવામાં આવત. પણ તમે સાબિત કરી દીધું કે ભારત જીવન બચાવનારો દેશ છે, જીવ લેનારો નહીં.”

હુમલાની ભયાનક ક્ષણો અને કેપ્ટન સ્મિતની અદ્ભુત હિંમત

ઘટનાક્રમ અનુસાર, ફ્લાઇટ દરમિયાન ઓમાની કો-પાઇલોટે અચાનક ચપ્પુ વડે કેપ્ટન સ્મિત પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્યંત ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ થવા છતાં કેપ્ટન સ્મિતે અદ્ભુત સંયમ જાળવીને કૌશલ્યપૂર્વક કોકપિટનો દરવાજો ખોલી ઈમરજન્સી વોર્નિંગ મોકલી હતી. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોર કો-પાઇલોટને કાબૂમાં લીધો હતો અને વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર કાવતરાના સિદ્ધાંતો (Conspiracy Theories) પર વિરામ

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારત અને ઇઝરાયેલની મિત્રતાને નુકસાન પહોંચાડવા અને દુર્ઘટનાને ‘ફોલ્સ-ફ્લેગ ઓપરેશન’ ગણાવીને તરેહ-તરેહની અફવાઓ ફેલાવવાનો પ્રયાસ શરૂ થયો હતો. જો વિમાન ક્રેશ થઈ ગયું હોત તો ભારત વિરોધી તત્વોએ ભારતીય પાઇલોટ પર આંગળી ચીંધીને દેશની છબી ખરાબ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હોત. વડાપ્રધાન મોદીનું આ નિવેદન આ જ અફવાઓ અને નેરેટિવ સામે ભારતનો મજબૂત પક્ષ રજૂ કરે છે.

વૈશ્વિક સ્તરે ભારતની પ્રશંસા

કેપ્ટન સ્મિતના આ સાહસિક પગલાંને કારણે વિશ્વભરના એવિએશન સેક્ટરમાં પાઇલોટો પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. ઇઝરાયેલના વડાપ્રધાને પણ ભારતીય પાઇલોટની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે 9/11 જેવી બીજી મોટી ભયાનક દુર્ઘટના અટકાવી દીધી છે. અમેરિકા સહિત અનેક દેશોએ પણ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી છે. PM મોદીની સ્પષ્ટ વાત અને કેપ્ટન સ્મિતની હિંમતે ભારત વિરોધી ષડયંત્રો ઘડી રહેલા તત્વોને યોગ્ય જવાબ આપ્યો છે.