વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા પર ભારે દબાણ વચ્ચે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભૂરીભૂરી પ્રશંસા કરી છે. એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના એક કાર્યક્રમમાં બોલતા અલ્બનીઝે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન ભારતમાં જેટલી મોટી વસતી સુધી વીજળી અને ઇંધણની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી છે, તેવી સિદ્ધિ માનવ ઇતિહાસના કોઈ પણ દશક, પ્રદેશ કે દેશમાં જોવા મળી નથી. આ સાથે તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સતત મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વૈશ્વિક ઇંધણ સંકટ વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ
અલ્બનીઝની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલા તણાવને કારણે વિશ્વભરમાં ઊર્જા પુરવઠો ખોરવાયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો અત્યારે ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર રહ્યો છે અને ભાવ વધારો પણ નિયંત્રણમાં રહ્યો છે.
આયાત સ્ત્રોતોનો વિસ્તાર: 27 થી વધીને 41 દેશો
ભારતની આ સફળતા પાછળ તેની સંતુલિત અને વ્યાપક વિદેશ નીતિ છે. આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતે ઇંધણની આયાત માટે માત્ર અમુક દેશો પર નિર્ભર રહેવાને બદલે તેના સ્ત્રોતો વધાર્યા છે. પહેલા ભારત માત્ર 27 દેશોમાંથી ઊર્જાની આયાત કરતું હતું, જે આંકડો હવે વધીને 41 દેશો થઈ ગયો છે. આ વ્યૂહાત્મક પગલાંને કારણે જ દેશના દરેક ખૂણામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો અવિરત ચાલુ રહ્યો છે.
140 કરોડ દેશવાસીઓની ઊર્જા સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારતીય અર્થતંત્ર અને પુરવઠા શૃંખલા પર અસર ન પડે તે માટે ભારત સરકારે સતત સમીક્ષા બેઠકો યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે વૈશ્વિક બજારમાંથી વિવિધ દેશો પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે. દેશના 140 કરોડ નાગરિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને લેવાયેલા નિર્ણયોને કારણે જ ભારત આજે વૈશ્વિક ઊર્જા સંકટ સામે અડીખમ ઊભું છે.






