મગ્ર ગુજરાતમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઉત્સવના આનંદ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. સુરત, મોરબી, અમદાવાદના બગોદરા અને અમરેલી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન તેમજ વિસર્જન બાદ પાણીમાં નાહવા પડેલા ૧૦ થી વધુ લોકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે.

સુરત: તાપી નદીમાં હોડી પલટી અને વિવિધ સ્થળે અકસ્માત
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે સાંજની વેળાએ તાપી નદીના કિનારે શ્રીજીની પ્રતિમા પધરાવવા ગયેલી એક હોડી અચાનક નદીના ઊંડા પાણીમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મેર રાજુભાઈ લાલાભાઈ (૨૧), શિયાળિયા દાનાભાઈ સુખાભાઈ (૨૬) અને સાદુલભાઈ ભુલાભાઈ મેર (૨૩)ના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત સુરત જિલ્લાના માંગરોળના લિડીયાત અને કુંવરદા ગામ તેમજ ઓલપાડના દિહેણ ગામે પણ વિસર્જન વેળાએ અલગ-અલગ બનાવોમાં ૩ લોકો પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે.

અમરેલી: ચેકડેમમાંથી કાકા-ભત્રીજા સહિત ૪ યુવકોના મૃતદેહ મળ્યા
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે આવેલ દશામાના મંદિર પાછળના ચેકડેમમાં એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન માટે આવેલા ભક્તોને ચેકડેમના કાંઠે કપડાં બિનવારસી હાલતમાં મળી આવતા આશંકા જાગી હતી. ગ્રામજનો અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા ચેકડેમમાંથી કાકા-ભત્રીજા અને બે ભાણેજ સહિત એક જ પરિવારના ૪ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. વિસર્જન પહેલાં કે પછી નાહવા પડેલા આ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
મોરબી: મચ્છુ-૩ ડેમમાં ૨ યુવાનોના મોત, ૨ નો બચાવ
મોરબીના મચ્છુ-૩ ડેમમાં પણ શ્રીજી વિસર્જન અર્થે ગયેલા ૪ યુવાનો ઊંડા પાણીમાં ખાબક્યા હતા. ઘટના અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે ૨ યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જ્યારે અન્ય ૨ યુવાનોના મૃતદેહ બીજા દિવસે પાણીમાંથી મળી આવ્યા હતા.
બગોદરા: વિસર્જન બાદ નાહવા પડેલો કિશોર ગુમ
અમદાવાદ જિલ્લાના બગોદરા-શિયાળ રોડ પર આવેલા થાળાવાળી પાણીની દીરમાં ગણેશ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. જેમાંથી મહાવીરસિંહ ચૌહાણ નામના કિશોરને તરતાં આવડતું હોવાથી તે સુરક્ષિત બહાર નીકળી આવ્યો હતો, પરંતુ તેનો સાથી હર્ષરાજસિંહ ચૌહાણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયો હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ તમામ ઘટનાઓને પગલે જે ઘરોમાં ગણેશ ઉત્સવનો માહોલ હતો ત્યાં હૃદયદ્રાવક રુદન અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.



