ફવાદ ખાનની પાકિસ્તાની સિરીઝના ભારતમાં રિલીઝ સામે વિરોધ

પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, માહિરા ખાન અને હાનિયા આમિર અભિનીત વેબ સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેટ લો’ ભારતમાં રિલીઝ થાય તે પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ સિરીઝના ભારતમાં પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

નેટફ્લિક્સ પર આ સિરીઝ 4 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની છે. જોકે, ભારતમાં તેનું સ્ટ્રીમિંગ થશે કે નહીં તે અંગે નેટફ્લિક્સે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. AICWAએ પોતાની ચિઠ્ઠીમાં 8 મે, 2025ના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીનો ઉલ્લેખ કર્યો છે. સંગઠનનું કહેવું છે કે તમામ OTT પ્લેટફોર્મ પર પાકિસ્તાની ફિલ્મો, વેબ સિરીઝ, ગીતો અને અન્ય મનોરંજન સામગ્રીના પ્રસારણ પર રોક લગાવવી જોઈએ. આ માટે કડક જોગવાઈ ધરાવતો કાયમી કાયદો બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ સિરીઝ ફરહત ઇશ્તિયાકની વર્ષ 2013માં પ્રકાશિત ઉર્દૂ નવલકથા પર આધારિત છે. તેમાં ત્રણ પેઢીની છ પ્રેમકથાઓ દર્શાવવામાં આવી છે. ફવાદ અને માહિરા ઉપરાંત હાનિયા આમિર, સનમ સઈદ, અહદ રઝા મીર સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.