રૂ. 2000 સુધીના UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ કરતા લોકો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે રૂ. 2000 સુધીના RuPay ડેબિટ કાર્ડ અને UPI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલી શકાશે નહીં. આ પ્રતિબંધ માત્ર સીધા વસૂલવામાં આવતા ચાર્જ પર જ નહીં, પરંતુ પરોક્ષ રીતે લગાવવામાં આવતા ચાર્જ પર પણ લાગુ પડશે. નાણાં મંત્રાલય અનુસાર આ નિર્ણય Payment and Settlement Systems Act, 2007ની કલમ 10A હેઠળ લેવામાં આવ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે બેંકો અને સિસ્ટમ પ્રોવાઇડર્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ રૂપે-RuPay ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરનાર અથવા પેમેન્ટ સ્વીકારનાર વ્યક્તિ પાસેથી કોઈ ચાર્જ વસૂલે નહીં.

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે Payment and Settlement Systems Act, 2007 (2007નો 51)ની કલમ 10A મુજબ કેન્દ્ર સરકારે બેંકો અને સિસ્ટમ પ્રોવાઇડર્સને RuPay આધારિત ડેબિટ કાર્ડ અને UPI દ્વારા રૂ. 2000 સુધીનું પેમેન્ટ કરનાર અથવા સ્વીકારનાર વ્યક્તિ પર સીધા કે પરોક્ષ રીતે કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવાથી રોક્યા છે.

UPI ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ થશે નિયમ

સરકારની આ જોગવાઈ રૂ. 2000 સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ પડશે. એટલે કે આ મર્યાદા સુધી UPI મારફતે પૈસા મોકલનાર અથવા પ્રાપ્ત કરનાર વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલી શકાશે નહીં.

નાના ડિજિટલ પેમેન્ટને મળશે પ્રોત્સાહન

સરકારની આ વ્યવસ્થા ડિજિટલ પેમેન્ટને સસ્તું, સુવિધાજનક અને વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી ગ્રાહકોની સાથે નાના વેપારીઓને પણ ફાયદો થઈ શકે છે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.

ભારતમાં કેટલું થાય છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન?

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. NPCI (National Payments Corporation of India)ના તાજેતરના આંકડા અનુસાર ઓગસ્ટ, 2026માં ભારતમાં UPI પર 24,508.96 મિલિયન એટલે કે આશરે 2450.9 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલે કે સરેરાશ દરરોજ આશરે 79 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય આશરે રૂ. 29.82 લાખ કરોડ રહ્યું હતું.  ડિજિટલ પેમેન્ટ માત્ર UPI પૂરતું મર્યાદિત નથી. તેમાં IMPS, NEFT, RTGS, કાર્ડ, FASTag વગેરેનો પણ સમાવેશ થાય છે.