મેડિસિનનો નોબેલ જાહેર : પ્રકાશનો ઉપયોગ કરી ચેતાકોષોને નિયંત્રિત કરવાની પદ્ધતિ માટે

સ્વિડન: વર્ષ 2026 માટે મેડિસિન (તબીબી વિદ્યા) ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. સ્ટોકહોમ સ્થિત કરાઓલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલી દ્વારા સોમવારે આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો. વૈજ્ઞાનિક કાર્લ ડેઇસેરોથ (Karl Deisseroth), પીટર હેગેમેન (Peter Hegemann) અને જ્યોર્જ નાગેલ (Georg Nagel)ને સંયુક્ત રીતે આપવાની જાહેરાત કરાઈ છે.

ત્રણેય વૈજ્ઞાનિકોને “લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ” (light-gated ion channels) અને ઓપ્ટોજેનેટિક્સ (optogenetics) ક્ષેત્રે તેમની ક્રાંતિકારી શોધો માટે આ સર્વોચ્ચ બહૂમાન એનાયત કરવામાં આવ્યું છે. તેમની આ શોધને કારણે વૈજ્ઞાનિકો હવે પ્રકાશના કિરણો દ્વારા ચેતાકોષો (nerve cells) અથવા ન્યુરોન્સને નિયંત્રિત કરી શકે છે.

ઓપ્ટોજેનેટિક્સ પદ્ધતિની મદદથી મગજના વિશિષ્ટ કોષો અને સર્કિટ્સ કેવી રીતે કામ કરે છે, યાદશક્તિ, લાગણીઓ અને વર્તનને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરવો શક્ય બન્યો છે. આ ટેકનિકથી પાર્કિન્સન્સ, ડિપ્રેશન અને અન્ય ચેતાતંત્ર સંબંધિત રોગોની સારવારમાં નવી દિશા મળી છે. આ નોબેલ પુરસ્કાર સાથે 12 મિલિયન સ્વિડિશ ક્રોનોરની ઈનામી રકમ ત્રણેય વિજેતા વૈજ્ઞાનિકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે.