IIT (BHU) ખાતે નદીઓના પુનરુત્થાન માટે સમયબદ્ધ રોડમેપ તૈયાર કરવા હાકલ

વારાણસી : ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજિત ‘ભારત ડિસ્કોર્સિસ @2047’ ની બીજી આવૃત્તિનું IIT (BHU), ખાતે સફળ સમાપન થયું છે. “Bharat Discourses on Rivers @2047” થીમ હેઠળ આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો, પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ, સંશોધકો અને જળ નિષ્ણાતોએ ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવા દેશની નદીઓને પુનર્જીવિત કરવા અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા સમયબદ્ધ રોડમેપ અપનાવવા હાકલ કરી હતી.

અમદાવાદ ખાતે આયોજિત ‘ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર @2047’ના પ્રથમ સંવાદને આગળ ધપાવતા, વારાણસી આવૃત્તિમાં ખાસ કરીને નદી સંરક્ષણ, રિવર બેસિન મેનેજમેન્ટ, કૃષિ ઉત્પાદકતા, પરંપરાગત જ્ઞાન પ્રણાલી અને યુવાનો તથા ખેડૂતોની ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સંમેલનમાં 2047 સુધીમાં નદીઓના સ્વાસ્થ્ય સુધારણા માટે પાંચ મુખ્ય પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે:

  1. સમયબદ્ધ રિવર હેલ્થ રિસ્ટોરેશન પ્લાન: સ્પષ્ટ સમયમર્યાદા અને માપી શકાય તેવા લક્ષ્યાંકો સાથે નદી પુનરુત્થાન યોજનાઓ બનાવવી.

  2. કૃષિ-ઉત્પાદકતામાં વધારો: ટકાઉ ખેતી પદ્ધતિઓ દ્વારા જળ વ્યવસ્થાપન અને નદીના સ્વાસ્થ્ય વચ્ચે સમન્વય સાધવો.

  3. નદી વિસ્તારોનું રક્ષણ અને વૃક્ષારોપણ: નદીના કુદરતી પ્રવાહને સુરક્ષિત રાખવા સ્પષ્ટ માર્ગદર્શિકા અને વૃક્ષારોપણની પહેલ કરવી.

  4. સંસ્થાકીય એકીકરણ: સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે બહેતર સંકલન સાધવું.

  5. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા: યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન, નવીનતા અને વૈજ્ઞાનિક ઉકેલો વિકસાવવા.

ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના ડૉ. મયુર જોશીએ જણાવ્યું હતું કે આ સંવાદ માત્ર વિચાર-વિમર્શ પૂરતો સીમિત ન રહેતાં, 2047 સુધીમાં ભારતની નદીઓના સ્વાસ્થ્યમાં વાસ્તવિક અને નોંધપાત્ર સુધારો લાવવા માટે એક મજબૂત પાયો પૂરો પાડશે.