યુક્રેનમાં ભારતીય ફાર્મા કંપનીના પ્લાન્ટ પર રશિયન ડ્રોન હુમલો : 400 કરોડથી વધુનું નુકસાન

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય મૂળના રાજીવ ગુપ્તાની માલિકી ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપની ‘કુસુમ હેલ્થકેર’ (Kusum Healthcare)ના યુક્રેનના સુમી (Sumy) સ્થિત ઉત્પાદન પ્લાન્ટ પર રશિયન ડ્રોન દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ ગંભીર હુમલામાં પ્લાન્ટના એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતા એક કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

કંપની અને સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, છ જેટલા ડ્રોન વડે કરવામાં આવેલા આ ટાર્ગેટેડ હુમલામાં ફેક્ટરીની મુખ્ય બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ હુમલામાં 50 મિલિયન યુએસ ડોલર (અંદાજે ₹400 કરોડ) થી વધુનું આર્થિક નુકસાન થયું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કીએ આ હુમલાની સખત નિંદા કરતાં મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, કુસુમ ગ્રુપની સ્થાપના 1994માં થઈ હતી અને સુમી સ્થિત પ્લાન્ટ 2009થી કાર્યરત હતો. પ્લાન્ટના મેનેજમેન્ટે જણાવ્યું છે કે વ્યાપક નુકસાનના કારણે નજીકના ભવિષ્યમાં આ પ્લાન્ટ ફરી શરૂ કરવો શક્ય બનશે નહીં.