પાકિસ્તાનમાં રાજકીય સંકટ : ખૈબર પખ્તુનખ્વામાં ઈમરજન્સી લાદવાની વિચારણા

પાકિસ્તાન: પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) અને શાહબાઝ શરીફની કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ PTI એ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ તરફ પોતાનો ‘લોંગ માર્ચ’ શરૂ કરી દીધો છે.વિરોધ પ્રદર્શન અને માર્ચ ઈસ્લામાબાદ તરફ આગળ વધી છે તેવા સમયે કેન્દ્ર સરકાર આક્રમક મોડમાં આવી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકાર PTI શાસિત ખૈબર પખ્તુનખ્વા (KP) પ્રાંતમાં ગવર્નર શાસન (Governor’s Rule) અથવા તો ઈમરજન્સી લાદવાની ગંભીર વિચારણા કરી રહી છે.

માર્ચને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે ઈસ્લામાબાદ તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર કન્ટેનરો મૂકીને સીલ કરી દેવામાં આવ્યા છે અને ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ કેન્દ્રીય આંતરિક મંત્રી મોહસિન નકવી અને સરકારે ચેતવણી આપી છે કે જો સરકારી કે અદાલતી આદેશોનું ઉલ્લંઘન થશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, PTI નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકારે ખૈબર પખ્તુનખ્વા સરકાર સામે કોઈ ગેરબંધારણીય પગલું ભર્યું તો સમગ્ર દેશમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.