UPI ના મર્ચન્ટ પેમેન્ટના ચાર્જ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

નવી દિલ્હીઃ UPI પેમેન્ટ પર ચાર્જનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં રૂ. 2000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ પર લગાવવામાં આવેલા ચાર્જ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બુધવારે આ નિર્ણય લીધો હતો. આ અરજી એડવોકેટ અંજન દત્તા તરફથી દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ મામલે 14 ડિસેમ્બરે જાહેર કરાયેલા નોટિફિકેશન અને 15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા MDR ફ્રેમવર્કને રદ કરવાની માગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ પગલું સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ખોટું છે. એ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પૂરતા કાયદાકીય આધાર વિના આ નિર્ણય લીધો છે.

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું

UPI પર ચાર્જને મુદ્દે વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ UPI પર કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ લગાવવામાં આવવાને મુદ્દે સરકારની ટીકા કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને UPI પર લાગનારો ટેક્સ પરત ખેંચવાની માગ કરી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક વિડિયો પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમની વિચારસરણી એકદમ સીધી હતી. તેમણે વડા પ્રધાન મોદીને સંબોધીને કહ્યું હતું કે UPI ટેક્સ પરત લો.

બીજી તરફ, કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે રૂ. 2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR લગાવવાને મામલે કહ્યું કે આ એવો ટેક્સ છે, જે ધીમે-ધીમે વધતો જશે. જે ટ્રાન્ઝેક્શન પર અગાઉ કોઈ ટેક્સ લાગતો ન હતો, તેના પર હવે રૂ. 2000થી વધુની રકમના પેમેન્ટ પર ચાર્જ લાગશે. તેમણે કહ્યું કે આનાથી ધીમે-ધીમે ટેક્સ વધારવાની નીતિ બની જશે, કારણ કે એક વાર અમલદારશાહીને તેમાં પ્રવેશવાની તક મળી જાય પછી થોડા જ સમયમાં તે તમામ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લગાવવાનું શરૂ કરી શકે છે. અંતે, આ ટ્રાન્ઝેક્શન અને ટેક્સનો બોજ ગ્રાહકો પર પડશે, જેને કારણે મોંઘવારી અને કિંમતોમાં વધારો થઈ શકે છે.

શું છે સરકારનો નિર્ણય?

સરકારે મંગળવારે 15 ઓક્ટોબરથી મોટા વેપારી પેમેન્ટ માટે UPI ટ્રાન્ઝેક્શન પર નવી ચાર્જ વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત રૂ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પાસેથી 0.4 ટકા ચાર્જ લેવામાં આવશે, જ્યારે રૂ. 75,000 કે તેથી વધુના પેમેન્ટ પર આ ચાર્જની મહત્તમ મર્યાદા રૂ. 300 રહેશે.