અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક મોટી દરિયાઈ અસુરક્ષાની ઘટના સામે આવી છે. હોર્મુઝની સમુદ્રધૂની (Strait of Hormuz) માંથી પસાર થઈ રહેલા પનામાના ફ્લેગ ધરાવતા વેપારી જહાજ ‘MT On Peace’ પર અજાણ્યા સ્ત્રોત દ્વારા પ્રોજેક્ટાઇલ (મિસાઇલ કે ડ્રોન) વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સ પૈકી 11 ભારતીય નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારતના વિદેશ મંત્રાલયે (MEA) મંગળવાર, 6 October ના રોજ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસવાલે જણાવ્યું હતું કે, જહાજ પર કુલ 19 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 17 ભારતીય નાગરિકો હતા. હુમલામાં કુલ 12 ક્રૂ મેમ્બર્સને ઈજાઓ પહોંચી છે, જેમાંથી 11 ભારતીયો છે.

ઓમાન સત્તાવાળાઓની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી
ઘટના બનતા જ ઓમાની કોસ્ટ ગાર્ડ અને નૌકાદળની મદદથી ઘાયલ નાવિકોને જહાજમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને હાલ ઓમાનના ખસાબ (Khasab) સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોના તાત્કાલિક રેસ્ક્યૂ અને તબીબી સહાય માટે ઓમાન સરકારનો આભાર માન્યો હતો.
ભારતનો આકરો અને સ્પષ્ટ સંદેશ
રણધીર જેસવાલે વધુમાં ઉમેર્યું હતું કે હોર્મુઝની સમુદ્રધૂની અને આસપાસના વિસ્તારોમાં વેપારી જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ ભારત માટે અત્યંત ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ભારતે આવા હુમલાઓ તાત્કાલિક અસરથી રોકવાની માંગણી દોહરાવી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારી જહાજો, સામાન્ય નાવિકો અને નાગરિક ઉપયોગની સુવિધાઓને નિશાન બનાવવાનું વલણ તુરંત બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી જહાજોની મુક્ત અવરજવર અને વેપાર-વાણિજ્ય વહેલી તકે સામાન્ય સ્થિતિમાં બહાલ કરવામાં આવે તે સમગ્ર વિશ્વ માટે જરૂરી છે.




