પ્રાણીઓ પર પ્રયોગ કર્યા વિના કેમિકલની અસર ચકાસવાની નવી રીત શોધાઈ

નવી દિલ્હી: એક નવા સંશોધનમાં પ્રાણીઓનો ઉપયોગ કર્યા વિના શ્વસનતંત્ર પર રસાયણોની ઝેરી અસરો ચકાસવા માટે એક અત્યાધુનિક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમેલ્સ (PETA)ના વૈજ્ઞાનિકો અને તેમના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ દ્વારા આ પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાતની પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ સંશોધન પેપર “Human in vitro airway models to assess point-of-contact respiratory toxicity of surfactants and derive human equivalent concentrations after single dose exposure” શીર્ષક હેઠળ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જર્નલ ‘ટોક્સિકોલોજિકલ સાયન્સિસ’ (Toxicological Sciences)માં પ્રકાશિત થયું છે.

સર્ફેક્ટન્ટ્સ અને પ્રાણી-મુક્ત પરીક્ષણ

સર્ફેક્ટન્ટ્સ (પૃષ્ઠસક્રિય પદાર્થો) એવા રસાયણો છે જે સાબુ, ડિટર્જન્ટ, ક્લીનિંગ પ્રોડક્ટ્સથી લઈને કૃષિ ક્ષેત્રે વપરાતા રાસાયણિક મિશ્રણો અને કીટનાશકોમાં વ્યાપકપણે વપરાય છે. સામાન્ય રીતે દવાઓ અને રસાયણોના વેચાણ પહેલાં તેની ઝેરી અસરો ચકાસવા માટે દર વર્ષે લાખો પ્રાણીઓ (જેમ કે ઉંદરો) પર પ્રયોગો કરવામાં આવે છે. પરંતુ માનવ અને ઉંદરના શ્વસનતંત્રની શારીરિક રચનામાં તફાવત હોવાથી આ જૂની પદ્ધતિઓથી માનવ શરીર પર થતી ચોક્કસ અસરો જાણી શકાતી નથી.

લાબોરેટરીમાં તૈયાર કરાયેલું માનવ શ્વસનતંત્રનું મોડેલ

આ નવી પ્રાણી-મુક્ત પદ્ધતિમાં માનવ શ્વસનમાર્ગના સેલ-મોડેલ્સ (Human in vitro airway models)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ માનવ શ્વસનતંત્રની આબેહૂબ નકલ કરે છે, જેમાં મ્યુકસ (ચીકણો પદાર્થ) પેદા કરતા કોષો અને લયબદ્ધ રીતે હલનચલન કરતી બારીક વાળ જેવી રચનાઓ (સિલિકા/cilia) પણ સામેલ છે.

આ વૈશ્વિક પ્રોજેક્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝર્લેન્ડ અને ભારત (ગુજરાત)ની પ્રયોગશાળાઓએ સાથે મળીને કામ કર્યું હતું. આ સંશોધન દર્શાવે છે કે માનવ કોષીય પેશીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીને વિવિધ દેશોની લેબમાં સુસંગત પરિણામો મેળવી શકાય છે.

OECD અને વૈશ્વિક સ્વીકૃતિ તરફ સીમાચિહ્ન

ઓગસ્ટ ૨૦૨૬માં, આ પ્રોજેક્ટના પ્રસ્તાવને ‘ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’ (OECD)ના ટેસ્ટ ગાઇડલાઇન્સ પ્રોગ્રામની કાર્યયોજનામાં સામેલ કરવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે તેના અમલીકરણ માટે ખૂબ મહત્વનું પગલું ગણાય છે.

PETA India ના સાયન્સ પોલિસી એડવાઇઝર ડૉ. અંકિતા પાંડેએ જણાવ્યું હતું કે, “ઝેરી અસરોના પરીક્ષણનું ભવિષ્ય એવા વિશ્વસનીય અને પ્રાણી-મુક્ત વિજ્ઞાનમાં રહેલું છે જે માનવીઓનું શ્રેષ્ઠ રીતે રક્ષણ કરી શકે. ભારત આવી અત્યાધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આગળ વધી રહ્યું છે, જેથી પ્રાણીઓ પર ક્રૂર પ્રયોગો કર્યા વિના માનવ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.”