સાઉદી અરેબિયા: અહીં એક શ્રીલંકન નાગરિકને ફેસબુક પર ઈશનિંદા (Blasphemy) સંબંધિત ટિપ્પણી કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. અનોજન શિવરાસા (Anojan Sivarasa)ના જીવનને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરવામાં આવી રહી છે. માનવાધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયે સાઉદી સરકારને આ સજા રદ કરવા અને તેને મુક્ત કરવા વિનંતી કરી છે.
અહેવાલો અનુસાર, અનોજન શિવરાસા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ સાઉદી અરેબિયાની અદાલતે તેમને ઈશનિંદાના કેસમાં દોષી ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી.
વૈશ્વિક માનવાધિકાર જૂથોએ આ નિર્ણયની સખત ટીકા કરતાં જણાવ્યું છે કે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઉપયોગ બદલ કોઈ વ્યક્તિને મૃત્યુદંડ આપવો એ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે. માનવાધિકાર સંસ્થાઓએ શ્રીલંકા સરકારને પણ પોતાના નાગરિકના બચાવ માટે દૌત્યિક અને કાનૂની સ્તરે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.




