પાકિસ્તાન: દેશની ક્રિકેટ ટીમની તાજેતરની નબળી કામગીરીની અસર હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની કમાણી પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગી છે. PCBને તેમની હોમ સોઈલ પર રમાનારી 25 આંતરરાષ્ટ્રીય મેચોના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ (પ્રસારણ અધિકારો) મૂળ અનામત કિંમત કરતા અડધા ભાવે વેચવાની ફરજ પડી છે.
આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન માત્ર સરકારી બ્રોડકાસ્ટર PTV દ્વારા જ એકમાત્ર બોલી લગાવવામાં આવી હતી, જેના કારણે PCB પાસે અડધા ભાવે સોદો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમનું કથળતું પ્રદર્શન, સ્પોન્સર્સ અને એડવર્ટાઈઝર્સનો ઓછો રસ અને અગાઉના ઘણા બ્રોડકાસ્ટર્સ દ્વારા બોર્ડના અબજો રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ખાનગી કંપનીઓએ આ હરાજીથી અંતર જાળવ્યું હતું.
PCB પ્રમુખ મોહસિન નકવી અને બોર્ડ મેનેજમેન્ટ માટે આ એક મોટો આર્થિક ફટકો માનવામાં આવે છે. પીસીએલ (PSL)ની 11મી સીઝનમાં પણ પ્રસારણ અધિકારો માટે બજાર તરફથી કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. અડધી કિંમતે વેચાયેલા આ રાઈટ્સમાં જાન્યુઆરી 2027માં આયર્લેન્ડ સામેની T20 સીરીઝ અને આયર્લેન્ડ-ઝિમ્બાબ્વે સાથેની ત્રિપોખી સીરીઝની મેચોનો સમાવેશ થાય છે.




