હોર્મુઝમાં પનામાના જહાજ પર મિસાઈલ હુમલો : 11 ભારતીય નાવિક ઈજાગ્રસ્ત

ઓમાન :  હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz)માંથી પસાર થઈ રહેલા પનામાના ધ્વજ ધરાવતા કોમર્શિયલ જહાજ ‘MT On Peace’ પર અજ્ઞાત જગ્યાએથી મિસાઈલ કે શેલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘાતક ઘટનામાં જહાજ પર સવાર 12 ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 11 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ‘MT On Peace’ નામના આ ટેન્કર પર કુલ 19 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 17 ભારતીયો હતા. હુમલા બાદ તુરંત જ ઓમાનના સત્તાવાળાઓની મદદથી ઈજાગ્રસ્ત ભારતીય નાવિકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા અને તેઓને ઓમાનના ખાસાબ (Khasab) ખાતે તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

ભારત સરકારે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને ઓમાન સરકારનો સમયસરની સહાય માટે આભાર માન્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસ્વાલે જણાવ્યું કે વેપારી જહાજો, નાવિકો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના આવા હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત નેવિગેશન અને વેપાર સુનિશ્ચિત થવો જોઈએ.