Video: પોતાના કાર્યકર્તા માટે સિક્યોરિટી ગાર્ડ સાથે ભીડાયા રાહુલ અને પ્રિયંકા!

દિલ્હીમાં મંગળવારે વિપક્ષી ગઠબંધન INDIA ના સાંસદો દ્વારા ચૂંટણી પંચ (Election Commission) ના વલણ સામે મોટો માર્ચ યોજવામાં આવ્યો હતો. સંસદથી ચૂંટણી પંચના મુખ્યાલય તરફ જઈ રહેલા વિપક્ષી નેતાઓના આ માર્ચને પોલીસે પાર્લામેન્ટ સ્ટ્રીટ પાસે રોકી દીધો હતો. ત્યારબાદ અનેક દિગ્ગજ નેતાઓ રસ્તા પર જ ધામા નાખીને ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આકાશવાણી ભવન પરિસરમાં પહોંચ્યા હતા અને વૃક્ષ નીચે બેસીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

વાયરલ વીડિયોમાં શું છે?

આ વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી એક ખાસ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે. વાયરલ ક્લિપમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા નજરે પડે છે. જ્યારે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ આકાશવાણી ભવનના પરિસરમાં બેઠા હતા, ત્યારે એક કાર્યકર્તા રાહુલ ગાંધીને મળવા માટે તેમની નજીક જવાનો પ્રયાસ કરે છે. ત્યાં તૈનાત સિક્યોરિટી ગાર્ડ તે કાર્યકર્તાને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ જોતાં જ રાહુલ ગાંધી તુરંત પોતાની જગ્યા પરથી ઊભા થાય છે અને સિક્યોરિટી ગાર્ડને રોકીને કાર્યકર્તાને પોતાની પાસે આવવા દે છે. રાહુલ ગાંધીના આ અંદાજે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો આ વીડિયો પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોણ છે આ વાયરલ કાર્યકર્તા?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ અંગે પંડિત દિનેશ શર્માનું નામ ચર્ચામાં આવ્યું છે. રાહુલ ગાંધીના જાહેર કાર્યક્રમો અને રેલીઓમાં પંડિત દિનેશ શર્મા લાંબા સમયથી નિયમિતપણે જોવા મળે છે અને કોંગ્રેસના સક્રિય સમર્થક તરીકે તેમની ઓળખ છે. પોતાના સામાન્ય કાર્યકર્તા માટે સુરક્ષા કર્મચારીઓ સામે ઊભા રહેવાના રાહુલ અને પ્રિયંકા ગાંધીના આ વલણની સોશિયલ મીડિયા પર સમર્થકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.